આનું નામ માણસાઈ, રંગીલા રાજકોટમાં ચાલી રહ્યો છે એક ‘ગાંડાની મોજ’ નામનો આશ્રમ, સગાં મા-બાપ ન કરી શકે એવી માનસિક દિવ્યાંગોની સેવા

કુદરતના અન્યાયનો ભોગ બનેલી અસ્થિર મગજના લોકો જિંદગીમાં ભારે ઝઝૂમવું પડતું હોય છે, પરંતુ કુદરત આવા અન્યાયનો ભોગ બનેલાનો ન્યાય કરવા માટે એવી વ્યક્તિઓને પણ મોકલતી હોય છે, જેથી ભોગ બનેલાને પ્રેમ, હૂંફ અને લાગણી મળી રહે. રાજકોટમાં આવા જ અનાથ અને માનસિક દિવ્યાંગ લોકોની સેવા વિષ્ણુભાઈ ભરાડે કરી રહ્યાં છે. સગાં મા-બાપ ન કરી શકે એવી 11 વર્ષથી સેવા કરી રહ્યા છે.

image source

મહિને 60-70 હજારનો ખર્ચ કરીને 15 લોકોની હાલ જૂના આશ્રમમાં સેવા કરવામાં આવી રહી છે. જો કે, વિષ્ણુભાઈને અહિં જ અટકવું નથી. તેઓ ‘ગાંડાની મોજ’નામનો નવો આશ્રમ કરવા જઈ રહ્યા છે. જેમાં દાત્તાઓના સહયોગથી 50 લાખના ખર્ચે વધુમાં વધુ માનસિક દિવ્યાંગોને રાખી શકે અને વિનામૂલ્યે રહેવા-જમવા અને મેડિકલ સારવાર અપાવી શકે તેવી વ્યવસ્થા કરી રહ્યાં છે.

11 વર્ષ પહેલાં વિષ્ણુભાઈ ભરાડેનાં મનમાં માનસિક રીતે દિવ્યાંગ લોકોને ભેગા કરી તેમના માટે કંઇક કરવાની ભાવના જાગી હતી. જયારે આ ભાવનાનાં મૂળ તેમના બાળપણમાં મળેલી સારી સોબતમાં રહેલા હતા. તેઓ બાળપણમાં સરધાર મૂકામે આવેલા હરિહર બાપુના આશ્રમે જતા હતા. ત્યાંના મહંત પશુ-પંખીઓની સેવા કરતા હતા. વિષ્ણુભાઈનાં મનમાં પણ સેવા કરવાની ભાવના જાગી હતી. જેથી વિષ્ણુભાઇએ આ સેવાયજ્ઞ શરુ કર્યો.

આશ્રમ બન્યો એ પહેલા એક્ટિવા પર પાણી અને ભોજન લઈને વિષ્ણુભાઇ રાજકોટમાં નીકળી પડતા. જ્યાં કોઈ અસ્થિર મગજની વ્યક્તિ મળે ત્યાં બેસી તેને પાણી પીવડાવતા, ભરપેટ જમાડતા. જે બાદ તેઓ રીક્ષા લઈને જવા લાગ્યા. જેમાં ચોખ્ખા વસ્ત્રો, ટૂવાલ, પાણી ભરેલો ટાંકો, ખુરશી, બ્રશ, ટ્રીમર, ભોજન અને પીવાનું પાણી લઈને સેવા- સુશ્રુષા શરુ કરી હતી. જે સ્થળે કોઈ અસ્થિર મગજના વ્યક્તિ મળતા તેના વાળ-દાઢી કરી, સ્નાન કરાવી, ચોખ્ખા વસ્ત્રો પહેરાવી, ભરપેટ જમાડી તેને સંતુષ્ટ કરતા હતા.

image source

જ્યાં તેઓ રાજકોટથી દ્વારકા સુધી પ્રવાસે જતા હતા. પરંતુ માત્ર સેવા આપવાથી તેમને સંતોષ થતો ન હતો. જેથી તેમણે આશ્રમ બનાવવાનો વિચાર કરી ‘‘સત સેવાભાવ ચેરીટેબલ ટ્રસ્ટ-ગાંડાની મોજ’’ની સ્થાપના કરી, જેમાં ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા જમીનનું યોગદાન આપી સમર્થન મેળવ્યા બાદ વિષ્ણુભાઈ ભરાડે પોતાના જીવનનો મૂળ મંત્ર અસ્થિર મગજના લોકોની સેવામાં વણી લીધો હતો.

વિષ્ણુભાઈ નિયમિત પણે માનસિક દિવ્યાંગ લોકોને સ્નાન કરાવી ચોખ્ખા કરે છે. તેમને બાલ-દાઢી કરી આપે છે. ભોજન કરાવે છે. નવા વસ્ત્રો પહેરાવે છે. રાજકોટના આ સેવાભાવી દ્વારા અત્યાર સુધીમાં તેમણે અનેક માનસિક અસ્થિર લોકોને સાજા પણ કર્યા છે. હવે શહેરના કાલાવડ રોડ પર દેવગામ પાસે બે વીઘાની જગ્યામાં સંસ્થાનો એવો આશ્રમ બની રહ્યો છે. જે કદાચ સૌરાષ્ટ્ર કે, ગુજરાતનો પહેલો હશે તેવો દાવો કરાઈ રહ્યો છે. અહિ 35થી 40 અસ્થિર મગજના લોકો રહી શકે અને જ્યાં સુધી તે સ્વસ્થ ન થાય ત્યાં સુધી કાયમી ધોરણે રહેવા, જમવા તેમજ નિષ્ણાત ડોકટરોના માર્ગદર્શન હેઠળ સારવાર અપાશે. હાલ આ જ જગ્યાએ જૂના આશ્રમમાં દર મહિના 60-70 હજારનો ખર્ચ કરીને વિષ્ણુભાઈ અસ્થિર મગજના 15 લોકોની સેવા કરી રહ્યા છે.