કોંગ્રેસ, ભાજપ કે પછી આમ આદમી પાર્ટી….નરેશ પટેલને લઈ ખોડલધામનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં જોડવા અંગે સસ્પેન્સ યથાવત છે. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે.

image source

ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તાએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને ખોટી ગણાવી છે. આ સાથે જ હસમુખ પટેલે જણાવ્યું કે, હાલ સર્વે ચાલી રહ્યો છે, જે પૂર્ણ થયા બાદ જ જાહેરાત કરવામાં આવશે. હાલ નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાવાનું નક્કી નથી.

જણાવી દઈએ કે, આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામતના આંદોલનના કારણે કોંગ્રેસનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને પાર્ટીને 77 બેઠકો મળી હતી. તે સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત ચૂંટણી પ્રભારી હતી. જ્યારે આ વખતે ગહેલોતના નિકટના મનાતા રાજસ્થાનના જ ડૉ રઘુ શર્માને ગુજરાતની કમાન સોંપવામાં આવી છે.

image source

ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર ખૂબ જ અગત્યનું હોવાથી નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે તમામ પાર્ટીઓમાં હોડ જામી છે. જો કે નરેશ પટેલ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તાજેતરમાં જ નરેશ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવા અંગે તેઓ વિચારવા માટે સમય લેશે. સમાજમાં સર્વે ચાલતો હોવાથી નિર્ણય લઇ શકાયો નથી. આ એક લાંબી પ્રક્રિયા છે. શહેરો, જિલ્લા, તાલુકા, ગામડાંઓમાં આ વાત પહોંચી રહી છે અને પાટીદારોનો અભિપ્રાય લેવાઇ રહ્યો છે. હું દરેક જિલ્લાનો પ્રવાસ કરી રહ્યો છું અને હજુ પ્રવાસ પૂર્ણ થયો નથી.