Site icon Health Gujarat

ધોરાજીના યુવાને લખ્યો PM મોદીને પત્ર, વ્યથા ઠાલવતા કહ્યું- પેટ્રોલ અને ગેસ હપ્તાથી આપો, ઘરમાં 4 વ્યક્તિ છીએ, ભણતરને બધો ખર્ચ નથી પહોંચાતું

દેશભરમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા 15 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. ગેસના ભાવમાં પણ મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે આ મોંઘવારીથી મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. મોંઘવારીના કારણે બે છેડા ભેગા કરવા મધ્યમ વર્ગીય પરિવાર માટે મુશ્કેલ બની ગયું છે. ત્યારે રાજકોટના ધોરાજીના તાલુકાના રહેવાસી સંકેત મકવાણા નામના યુવાને મંગળવારે પ્રાંત અધિકારી કચેરીએ આવેદન આપ્યું હતું જે વાંચીને કર્મચારીઓ પણ અવાચક રહી ગયા હતા, કારણ કે તેમાં પેટ્રોલ અને ગેસનો બાટલો હપ્તેથી આપવાની માગ કરાઈ હતી. સંકેત પરમારે આ પત્રમાં ગેસ અને પેટ્રોલના જૂના ભાવ અને નવા ભાવ ટાંક્યા હતા અને હાલના સંજોગોમા ભાવ વધારે હોવાથી સામાન્ય નાગરિક પીડાય છે.

image source

તેમના પરિવારમાં 4 લોકો છે બાળકોનો ભણતરનો ખર્ચ અને કમરતોડ મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે તેથી પેટ્રોલ અને ગેસનો બાટલો તેમને હપતેથી આપવાની પણ સુવિધા આપવામાં આવે તેવી વાત કરી છે. સંકેતે પત્ર ઉપરાંત જણાવ્યું હતું કે, હાલમાં પ્રજા માટે સૌથી મોટી સમસ્યા ઈંધણનો કમરતોડ ભાવવધારો છે તેમાં યોગ્ય નિરાકરણ આવવું જોઈએ.

Advertisement
image source

શું લખ્યું છે પત્રમાં ?

​​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, હું ભારત દેશનો રહેવાસી છું અને ધોરાજીમાં રહું છું. આપ સાહેબની સરકાર આવ્યા પછી જે ગેસના બાટલાના 350 રૂપિયા હતા તેના રૂ.1050 થઈ ગયેલ છે. જે પેટ્રોલનો ભાવ 70 રૂપિયા હતો તેના 104 રૂપિયા થઈ ગયા છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું જેથી ઘર ચલાવવું મુશ્કેલ બને છે. મારા પરિવારમાં 4 વ્યક્તિ હોય છોકરાઓને ભણાવવાનો ખર્ચ અને આવી મોંઘવારીમાં ઘર ચલાવી શકાય તેમ ન હોય તો આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે પેટ્રોલ અને ગેસનો બાટલો મને હપતેથી આપવામાં આવે.

Advertisement
Advertisement
Exit mobile version