રોજ ફક્ત ચાર બદામ ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો…

રોજની 4 બદામ ખાવાથી તમારા શરીરને આ ફાયદા થાય છે.

બદામને સુકામેવાનો રાજા કહેવામા આવે છે. અભ્યાસ કરતા બાળકો તેમજ ચરબી ઘટાડવા માટે ઉત્સુક લોકો, માટે આ સુકોમેવો એક નહીં ને બીજી રીતે ઘણો બધો ઉપયોગી છે, લગભગ 19000 વર્ષોથી બદામ માણસના સ્વાસ્થ્યમાં ફાળો આપતી આવી છે.

તમે બદામના ગુણો વિષે તો ઘણું બધું સાંભળ્યું હશે, અને તમારા કોઈ મિત્ર કે સગાવહાલા જે મિડલ ઇસ્ટડમાં રહેતા હશે તેમને પણ તમારા માટે એકાદ પેકેટ બદામ લાવવાનું કહ્યું હશે. શું તમને હજુ પણ એવું લાગે છે કે બદામને કંઈક વધારે પડતું જ મહત્ત્વ આપી દેવામાં આવ્યું છે ? તો અમારો આજનો આ લેખ તમને તે માટેની સંપૂર્ણ જાણકારી આપી તમારી શંકાઓને દૂર કરવામાં મદદ કરશે.

– વજન ઘટાડવામાં મદદ કરે છે


બદામના ત્રણ પ્રાથમિક ઘટકો છે – ચરબી, પ્રોટિન અને રેશા – તમને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. મોનોન્સેચ્યુરેટેડ ફેટી એસિડ જેને સામાન્ય ભાષામાં ગુડ ફેટ એટલે કે સારી ચરબી કહેવામાં આવે છે તેનું સેવન કરવાથી તમારી ભૂખ સંતોષાય છે અને તમે વધારે પડતો ખોરાક આરોગવાથી બચો છો. પ્રોટિન તો તમારા સ્નાયુઓના બંધારણ માટે મહત્ત્વના છે જ, અને ફાયબર એટલે કે રેશા શરીરમાંના કચરાને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. આ લાભો ઉપરાંત, બદામ તમારું પેટ ભરેલું છે તેવો અનુભવ કરાવે છે અને માટે તમે થોડી-થોડી વારે ઉભી થતી નાશ્તાની લાલચથી દૂર રહો છો.

– મગજને વધારે કાર્યક્ષમ બનાવે છે


બદામ તમને બુદ્ધિશાળી બનાવે છે તેવી જે કહેવત તમે નાનપણથી સાંભળતા આવ્યા છો તે કોઈ જ મિથ નથી. બદામમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ તત્ત્વો હોય છે. બદામમાં મળી આવતા વિવિધ ખનીજોમાંનું એક એવું ઝિન્ક જ્ઞાનતંતુઓની કોષિકાઓના મૃત્યુ દરને ઘટાડે છે. બદામમાં હાજર વિટામિન્સ જેવા કે એ અને બી12, મગજની કોષિકાઓની એજિંગ પ્રોસેસને મંદ પાડે છે. આ બધું જ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે મગજને વધારે કાર્યક્ષમ બનાવવામાં મદદ કરે છે અને તેમ કરીને તમને વધારે બુદ્ધિશાળી બનાવે છે. તો શું તમારી પરિક્ષાઓ શરૂ થવાની છે ? તો પછી બદામ ખાવાની શરૂ કરી દો !

– તમને યુવાન દેખાવામાં મદદ કરે છે


સૌંદર્ય જગતમાં બદામ અને વિટામિન E લગભગ એક બીજાના પર્યાય છે. બદામનું તેલ અને બદામ એ વિટામિન E નો ઉત્તમ સ્રોત છે. આ ઉપરાંત બદામમાં રહેલા ફ્લેવનોઇડ અને એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચાના કોષોની ઉંમર વધવાની ગતિને ધીમી કરે છે. તો એ સ્વાભાવિક છે કે જો કોષોની ઉંમર ધીમી ગતિએ વધશે તો તમે પણ લાંબો સમય યુવાન જ રહેવાના. હકીકતમાં તો બદામમાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડન્ટ્સ સમાયેલા છે જે ત્વચાના કેન્સરના જોખમને ઘટાડે છે, ખાસ કરીને જ્યારે તમારી ત્વચા નુકસાનકારક યુવિ કિરણો તરફ છતી થાય છે તે સમયે.

– હૃદય રોગનું જોખમ ટળે છે


મોનોસેચ્યુરેટેડ ફેટિ એસિડને જે રીતે “સારી ચરબી” કહેવામાં આવે છે તેવી જ રીતે LDL નામનું ઘટક કે જે વિવિધ પ્રકારનું કોલેસ્ટેરોલ ધરાવે છે તેને આપણે “ખરાબ ચરબી” કહીએ છીએ. બદામમાં કેટલાક એવા તત્ત્વો સમાયેલા છે જે શરીરમાંની આ ખરાબ ચરબીને દૂર કરે છે અને લોહીની નળીઓ બ્લોક થવાની શક્યતાઓ ઘટાડી હૃદય રોગના જોખમને ઘટાડે છે.

મોનોસેચ્યુરેટેડ ફેટિ એસિડ એટલે કે તે બધી જ સારી ચરબી તમારા લોહીમાં રહેલી શર્કરાની છૂટવાની ગતિને ધીમી કરે છે. અને શર્કરા ધીમી ગતિએ છૂટવાથી લોહીમાંનું શર્કરાનું સ્તર એકધારું રહે છે. જો તમે ડાયાબિટિસને રોકવા માગતા હોવ અથવા ડાયાબિટિસને અંકુશમાં રાખવા માટે બીજો કોઈ વિકલ્પ પસંદ કરવા માગતા હોવ, તો તમારે ચુક્યા વગર રોજ સવારે એક મુઠ્ઠી બદામ ખાઈ જ લેવી જોઈએ. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે બદામ કેવી રીતે ખાવી.

બદામના સેવનની ઉત્તમ રીત

1. પલાળેલી બદામ


બદામ પલાળવાથી તેની છાલ ઉતારવી સરળ રહે છે. બદામની છાલમાં ટેનિન નામનું તત્ત્વ હોય છે. આ ટેનિન અને તેની સાથેનું ફાયટેટ્સ લોહીની પોષણ શોષવાની ક્ષમતાને ઘટાડે છે તેવું માનવામાં આવે છે. ટુંકમાં છાલ સાથે બદામ ખાથી તમને બદામનું સંપૂર્ણ પોષણ નહીં મળે. આ ઉપરાંત આખી રાત પલાળેલી બદામને સવારે છાલ ઉતારી ખાવાથી તે પચવા તેમજ ચાવવામાં સરળ રહે છે.

2. ફણગાવેલી બદામ


બદામને 12 કલાક પાણીમાં પલાળ્યા બાદ તેને એક સુંવાળા કોટનના કપડામાં પોટલી વાળી તેને ફણગાવા દો. બદામને ફણગતા એક દિવસથી લઈને ત્રણ દિવસનો સમય લાગી શકે છે. બદામના ખૂણા પરના ધોળા ડાઘ પરથી ખ્યાલ આવી જશે કે તે ફણગી ગઈ છે. ફણગાવેલી બદામ ખાવાથી, તમને પલાળી બદામની જેમજ તેમાંનું સંપૂર્ણ પોષણ મળી રહેશે.

3. કાચી બદામ


એવી માન્યતા છે કે જો બદામને પલાળીને છાલ ઉતારીને ખાવામાં ના આવે તો તેનો કોઈ જ પોષણ વિષયક લાભ મળતા નથી. આ એક ગેરમાન્યતા છે તેના બે પ્રાથમિક કારણો છે. એક, આપણું શરીર આપણે વિચારીએ છીએ તેના કરતાં ક્યાંય વધારે બુદ્ધિશાળી છે. તે આ સુકા મેવામાંથી લોહીમાં પોષણ શોષવા માટે જરૂરી એન્ઝાઈમ ઉત્પન્ન કરે છે. બીજું, તેમાં રહેલું ફીટેટ્સ કે જે અવશોષણમાં ઘટાડો કરે છે, તે હકીકતમાં મોટા આંતરડા સુધી પહોંચે છે અને સારા બેક્ટેરિયામાં વધારો કરે છે. સુકી બદામની છાલમાંથી મળતા ફીટેટ્સ પાચનમાં સુધારો કરે છે.


તો હવે તમે જ તમારા શરીરને જાણી એ નક્કી કરો કે તમને કેવા પ્રકારની બદામ અનુકુળ આવશે. હંમેશા કહેવામાં આવ્યું છે તેમ તમારા શરીરનું સાંભળો, તેને જ ખબર છે કે તમારે શેની જરૂર છે. કાચી, પલાળેલી કે પછી ફણગાવેલી બદામ બધામાં ભરપુર પોષણ હોય છે અને તે તમારા વાળ, ત્વચા, પાચન તંત્ર, હૃદય, લોહીની સર્કરાના સ્તરને જાળવી રાખવા માટે લાભપ્રદ છે. હું તો પલાળેલી બદામ ખાવાની છું. તમે શેની રાહ જોઈ રહ્યા છો ? ચાલો આજથી આ સુપર નટ્સનું સેવન શરૂ કરી દો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર