વિદેશમાં 60 લાખ પગારની નોકરી છોડી યુવાન વડોદરા આવ્યો, ભાઈ સાથે મળીને કરી આ કામની શરૂઆત

એક યુવકે રાજકોટની કોલેજમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને ત્યાંથી યુકે. યુએસ અને કેનેડા ગયો, ત્યાં 12 વર્ષ નોકરી કરી, પણ તેને અંદરોઅંદર આપણા દેશમાં આવીને કંઇક અલગ કરવાની ઇચ્છા હતી. આ દરમિયાન યુએસની એક રેસ્ટોરન્ટમાં ટ્રેન મારફતે પિરસવામાં આવતા ભોજનની જાણ થઈ. ત્યારે જ તેમણે નક્કી કર્યુ હતુ કે, ભારતમાં જઇને ભારતીય ટેક્નોલોજીથી આ પ્રકારની રેસ્ટોરન્ટ શરૂ કરવી છે, જેથી તે યુવક  કેનેડાથી વડોદરા આવી ગયો, અહીં આવીને તેણે તેના ભાઇ સાથે મળીને વડોદરામાં પહેલી પીઝા ટ્રેન રેસ્ટોરન્ટ શરૂ કરી, ત્યારબાદ સુરતમાં પણ રેસ્ટોરન્ટ શરૂ કરી, હાલ તે બંને ભાઈઓ સુરત અને વડોદરામાં 6 પિઝા રેસ્ટોરન્ટ ચાવે છે..આ કહાની, વડોદરામાં રહેતા ઉદ્યોગ સાહસિક મનિષ પટેલની છે…તો ચાલો અમે તમને જણાવીએ કે મનીષ પટેલને આ સ્ટેટ્સ સુધી પહોંચવામાં કેટલો સમય લાગ્યો અને તેણે કેટલો સંઘર્ષ કર્યો.

image source

ઉદ્યોગ સાહસિકે 60 લાખની નોકરી છોડી

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય..આ કહેવતને વડોદરામાં રહેતા બે ભાઇઓએ સિદ્ધ કરી બતાવી છે. મૂળ ભરૂચના અને હાલ વડોદરામાં સ્થાયી થયેલા ઉદ્યોગ સાહસિક મનિષ પટેલ(ઉ.40) અને નિરવ પટેલ(ઉ.37) વડોદરા અને સુરતમાં લા પિઝા ટ્રેનો રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમની પોતાની 3 પિઝા રેસ્ટોરન્ટ છે અને 3 રેસ્ટોરન્ટી ફ્રેન્ચાઇઝી આપેલી છે. આગામી દિવસોમાં ગુજરાતમા અમદાવાદ અને રાજકોટ અને ત્યારબાદ આખા દેશમાં પોતાનો બિઝનેસ વધારવાનું બંને ભાઇઓ લક્ષ્ય છે. મનિષ પટેલ તો કેનેડાની જાણીતી કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને ત્યાં તેમનો વાર્ષિક પગાર 60 લાખ રૂપિયા હતો. 60 લાખની નોકરી છોડીને તેઓ કેનેડાથી વતન ગુજરાતમાં આવી ગયા અને અહીં તેઓ હવે પિઝા ચેઇન થકી વર્ષે 8 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

image source

ટ્રેન દ્વારા પિઝા પિરસવામાં આવે છે

તેમની રેસ્ટોરેન્ટમાં જમવા માટે આવતા લોકો જુદા જ પ્રકારનો નવો અનુભવ કરે છે. સૌપ્રથમ અહીં વેઇટર દ્વારા ગ્રાહક પાસેથી ઓર્ડર લેવામાં આવે છે. ત્યારબાદ ઓર્ડર પ્રમાણે પેન્ટ્રીમાંથી પિઝાને બહાર લાવી તેને ટ્રેન સાથે રહેલી ટ્રેમાં મુકવામાં આવે છે. ટ્રેન મારફતે પિઝાને લોકો પાસે મોકલવામાં આવે છે. પિઝા ટેબલ પર પહોંચે ત્યારે વેઇટર દ્વારા પિઝા ગ્રાહકને પિરસવામાં આવે છે અને લોકો તેનો આનંદ માણે છે. આ ટ્રેનને વાઇફાઇ દ્વારા લેપટોપથી ઓપરેટ કરવામાં આવે છે. જેમાં જે ટેબલ સિલેક્ટ કરે ત્યાં ટ્રેન ઉભી રહે છે. દરેક ટેબલને વડોદરાના વિવિધ વિસ્તારોના નામ આપવામાં આવ્યા છે.

image source

શરૂઆતમાં ખૂબ સંઘર્ષ કર્યો

ઉદ્યોગ સાહસિક મનિષ પટેલે જણાવ્યું હતું કે, હું વર્ષોથી હોટલ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયલો હતો અને યુકે. યુએસ અને કેનેડામાં નોકરી કરતો હતો. પરંતુ, આ દરમિયાન મને વિચાર આવ્યો કે, મારી સ્કીલનો હું મારા માટે વાપરૂ, જેથી હું 2015માં ભારત આવી ગયો અને મે કંઇક નવુ કરવાનું નક્કી કર્યું અને ફૂડ ડિલિવર ટ્રેન તૈયાર કરી અને પિઝા ટ્રેનની પહેલી રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. શરૂઆતમાં ખૂબ સંઘર્ષ કર્યો. પરંતુ, અમે મુશ્કેલીના સમયમાં પણ ટકી રહ્યા અને આજે અમારી અને ફ્રેન્ચાઇઝી મળીને કુલ 6 પિઝા રેસ્ટોરન્ટ છે.

image source

કોરોનાકાળમાં નુકસાન થયું, પણ હિંમત ન હાર્યા

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન અમારો વ્યવસાય ઠપ થઇ ગયો હતો. અમને ખૂબ મોટું નુકસાન સહન કરવુ પડ્યું. પણ અમે હિંમત હાર્યા વિના કોરોના કાળ પછી ફરીથી રેસ્ટોરન્ટ શરૂ કરી અને ફરીથી અમે આગળ વધી રહ્યા છીએ. આગમી સમયમાં અમદાવાદ અને રાજકોટમાં રેસ્ટોરન્ટ શરૂ કરવાનું અમારુ ધ્યેય છે અને ત્યારબાદ અમે દેશભરમાં અમારા બિઝનેસને આગળ વધારવાનું લક્ષ્યાંક રાખીએ છીએ.

ટેસ્ટ, ટેક્નોલોજી અને ટ્રેનનો સમન્વય કર્યો

તેઓએ આગળ કહ્યું હતું કે, ટેસ્ટ, ટેક્નોલોજી અને ટ્રેનનો સમન્વય પણ અમે કર્યો છે. લોકોને હેલ્દી અને ટેસ્ટી જમવાનું અમે આપીએ છીએ. લોકોને અમારી રેસ્ટોરન્ટમાં આવીને ખાવાની સાથે સારો અનુભવ પણ થાય છે. અહીં આવતા લોકોને પણ ટ્રેન દ્વારા જમવાનું ટેબલ પર આવે તે યુનિક અને નવો જ કોન્સેપ્ટ લાગે છે અને તેઓ અદભૂત અનુભવ કરીને ઘરે પરત ફરે છે.

image source

6 મહિનામાં ફૂડ ટ્રેન તૈયાર કરી

ઉદ્યોગ સાહસિક નિરવ પટેલે જણાવ્યું હતું કે, મારો ભાઇ મનિષ કેનેડાથી પરત આવ્યો, ત્યારબાદ મેં ફૂડ ટ્રેન તૈયાર કરી હતી, જે રોબોટની જેમ કામ કરે છે અને ગ્રાહક સુધી ફૂડ પહોંચાડે છે. આ ટ્રેન તૈયાર કરવામાં મને 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ અમે તેની પેટન્ટ કરાવી હતી.

image source

બંને ભાઇઓ ઊંચાઇના શિખરો સર કરી રહ્યા છે

સાહસ વિના સિદ્ધી નથી…આ કહેવતને મૂળ ભરૂચના અને વડોદરામાં સ્થાયી થયેલા બે ઉદ્યોગ સાહસિક ભાઇઓએ સાર્થક કરી છે. મધ્યમવર્ગના પરિવારમાં જન્મેલા બંને ભાઇઓ આજે ઊંચાઇના નવા શિખરો સર કરી રહ્યા છે.