યુપીમાં ચોર ચોરી ગયેલી 14 પ્રાચીન મૂર્તિઓ ગુપ્ત રીતે પૂજારી પાસે છોડી ગયા, પત્રમાં આપવામાં આવ્યું કારણ

ચિત્રકૂટના એક પ્રખ્યાત મંદિરમાંથી ગત 9મી તારીખે કરોડો રૂપિયાની કિંમતની દેવી-દેવતાઓની મૂર્તિઓની ચોરી થઈ હતી. મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને ચોરોની શોધખોળ ચાલુ હતી. પરંતુ, રવિવારે મંદિરના મહંતે કહ્યું કે, મોટાભાગની ગુમ થયેલી મૂર્તિઓ ચોરે પરત કરી દીધી છે અને તેનું કારણ સમજાવતો પત્ર પણ છોડી દીધો છે ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જો કે, પોલીસે હજુ ચાર લોકોની ધરપકડ કરી છે અને બાકીની મૂર્તિઓની શોધ ચાલુ છે.

image source

ચિત્રકૂટના બાલાજી મંદિરમાંથી ચોરોએ અષ્ટધાતુથી બનેલી 16 અતિ પ્રાચીન મૂર્તિઓની ચોરી કરી હતી. પરંતુ, તેમણે આમાંથી 14 મૂર્તિઓને રવિવારે મંદિરના મુખ્ય પૂજારી પાસે છોડી દીધી હતી. આ મૂર્તિઓની સાથે તેણે એક પત્ર પણ છોડ્યો છે, જેમાં તેણે પોતાનું હૃદય બદલવાનું કારણ જણાવ્યું છે. સદર કોતવાલી કારવીના એસએચઓ રાજીવ કુમાર સિંહે આ વિશે જણાવ્યું કે, ‘9 મેના રોજ તરોહાના પ્રાચીન બાલાજી મંદિરમાંથી કરોડોની કિંમતની 16 અષ્ટધાતુની મૂર્તિઓની ચોરી થઈ હતી. આ મામલામાં મંદિરના પૂજારી મહંત રામબાલાકે અજાણ્યા ચોરો વિરુદ્ધ FIR નોંધાવી હતી.

પૂજારીના કહેવા પ્રમાણે, ચોરાયેલી તમામ મૂર્તિઓ લગભગ 300 વર્ષ જૂની હતી. તેમાંથી 9 સંપૂર્ણપણે અષ્ટધાતુના હતા. 3 તાંબાના અને 4 પિત્તળના હતા. આમાંથી અડધી મૂર્તિઓ રાધા-કૃષ્ણની હતી અને 6 ભગવાન શાલિગ્રામની હતી. પૂજારીએ કહ્યું હતું કે બાકીની વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. તેમના મતે, મૂર્તિઓની કિંમત ઘણી વધારે છે, કારણ કે તમામને શુદ્ધ ચાંદીના ઘરેણાંથી શણગારવામાં આવ્યા હતા.

પોલીસે એ પણ પુષ્ટિ કરી છે કે ચોરાયેલી 16માંથી 14 મૂર્તિઓ પુજારીને પાછી આપી દેવામાં આવી છે. SHOએ કહ્યું છે કે, ‘રવિવારે માણિકપુર જવાહરનગરમાં મહંત રામબાલકના ઘર પાસે 16 ચોરાયેલી મૂર્તિઓમાંથી 14 રહસ્યમય રીતે બોરીમાં પડેલી મળી આવી હતી.’ મૂર્તિઓની સાથે ચોરોએ પૂજારીને એક પત્ર પણ છોડી દીધો હતો, જેમાં તેણે આવું કરવાનું કારણ લખ્યું હતું.

image source

ચોરોએ તેમના હૃદય પરિવર્તન વિશે પત્રમાં લખ્યું છે કે મૂર્તિઓ ચોરવાને કારણે તેમને ખરાબ સપના આવી રહ્યા છે અને તેઓ તેમના ડરને કારણે તેને પરત કરી રહ્યા છે. ચોરોએ પત્રમાં લખ્યું છે કે, અમને રાત્રે ડરામણા સપના આવે છે. આ પત્રમાં કરાયેલા દાવા મુજબ ચોરોએ પોતાનું નુકસાન થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.

આ પછી પૂજારીઓ તે 14 મૂર્તિઓને પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે લાવ્યા હતા અને પોલીસના જણાવ્યા અનુસાર તે પછી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ બાકીની બે મૂર્તિઓને પણ શોધી રહી છે, જેના વિશે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ માહિતી નથી. પરંતુ, ભગવાનના ડરથી ચોરોએ જે રીતે મૂર્તિઓ પરત કરી છે તે ચર્ચાનો વિષય છે.