ગુજરાતીઓ આજથી છત્રી અને રેઈનકોટ બહાર કાઢીને રાખજો, આ જિલ્લામા સતત 5 દિવસ મેઘો ખાબકશે

હવામાન વિભાગે રાજ્યમાં આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે, કેરલમાં ચોમાસુ બેસી ગયા બાદ રાજ્યના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા, બનાસકાંઠા અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમરેલીના લાઠીમાં 2.76 ઈંચનો ધોધમાર વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે, હાલ રાજ્યમાં પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાઇ રહ્યાં છે.

મંગળવારના રોજ રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમના પવનો ફુંકાયા હતા. ધંધુકામાં 34 મિમી વરસાદ વરસ્યો હતો. વળી, પ્રિ-મોન્સુનની શરૂઆતમાં જ રાજ્યમાં વીજળી પડતા ચાર લોકોના મોત પણ નિપજ્યા છે. જેમાં લીંબડીના જાંબી અને નાની કઠેચી ગામે વીજળી પડવાથી 2ના મોત નિપજ્યા છે. જ્યારે પાટણના હારીજમાં એક અને ભાવનગરના સિહોરમાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું છે.

image source

આવતીકાલે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ રેલમછેલ કરશે. તો રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડશે. તો સોમવારે અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદ વરસશે.