ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનની રહેશે અસર, જાણો વરસાદને લઈ મોટી આગાહી

ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર છે. જેમાં 20-21 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી છે. તેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે. તથા દાહોદ, વડોદરામાં પણ વરસાદની વકી છે. તેમજ કંડલામાં 24 કલાક દરમિયાન હિટવેવની આગાહી છે.

image source

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ થશે. તથા રાજ્યમાં થંડર સ્ટોર્મની એક્ટિવિટીનો અનુભવ થશે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થંડર સ્ટોર્મની અસર રહેશ. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી 42 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કંડલા એરપોર્ટ અને અમરેલીમાં તાપમાન 42 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની સાથે રાજ્યના વિવિધ વિસ્તારમાં પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે. ગુજરાતમાં ચામડી દઝાડતી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

image source

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, બુધવારના રોજ બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડદોરા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. જ્યારે બીજા દિવસે ગુરૂવારે સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, બોટાદમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાતથી જ રાજ્યના વાતાવરણમાં પલટો શરૂ થઈ શકે છે. જો કમોસમી વરસાદ પડશે તો રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે પરંતુ બીજી તરફ વાતાવરણમા ભેજનું પ્રમાણ વધવાના કારણે ઉકળાટ અને બફારો વધશે.