આ જગ્યાએ ધરતીની નીચે આવેલું છે ખોડિયાર માતાનું સોનાનું મંદિર, એવા એવા પરચા આપે છે કે સૌ કોઈ અવાચક

ગુજરાતમાં એક એવું પવિત્ર યાત્રા ધામ છે, જ્યાં સાક્ષાત માતાજી હોવાની ભક્તોને પ્રતીતિ થાય છે. એવુ ધામ કે જ્યાં ભક્તો પોતાની માનતા પુરી કરવા માટે ક્યાંય ક્યાંયથી પગપાળા આવે છે. આ ધામ છે રાજકોટના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ છે. જ્યાં મા ખોડિયારના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. આમ તો ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે. જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે. ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે.ત્યારે આજે જાણીએ માટેલ મંદિરની કેટલીક રસપ્રદ વાતો અને ઇતિહાસ વિશે.

image source

મા ખોડલના પ્રાગટ્યને લઈને રસપ્રદ કથા છે. એવી પણ લોકવાયકા છે તે ખોડલનું નામ જાનબાઇ હતું. તેઓ કુલ સાત બહેનો અને ભાઇ હતા. તેમની માતાનું નામ દેવળબા અને પિતાનું નામા મામળિયા હતું. દંતકથા અનુસાર સાત બહેનાના એકના એક ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો. કોઈએ ઉપાય સૂચવ્યો કે સૂર્ય ઊગે એ પહેલાં પાતળરાજા પાસેથી અમૃતકુંભ લઈને આવો તો જીવ બચી શકે. આવડ માતાની આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા ગયા. સવારે સૂર્ય ઊગવાની થોડીક જ વાર હતી જાનબાઈ ન આવતાં આવડ માતાથી બોલાઈ ગયું કે જાનબાઈ ક્યાંક ખોડાઈ તો નથી ગયા ને. એટલું બોલ્યા ત્યાં જાનબાઈ આવ્યા ને તેમનો પગ ખોડાઈ ગયો. અને એ રીતે જાનબાઈનું નામ પડ્યું ખોડિયાર. મગરની સવારી કરીને આવેલા ખોડિયાર માતાએ અમૃતકુંભથી ભાઈને સજીવન કર્યો.

image source

માટેલ ગામમાં પ્રવેશ કરો ત્યારે પહેલા માટેલ ધરો આવે. જેને માટેલિયો ધરો પણ કહેવાય છે. અહીં ભર ઉનાળામાં પણ પાણી સુકાતુ નથી. વળી આ પાણી એટલુ શુદ્ધ હોય છે કે લોકો ગાળ્યા વિના જ પાણી પીતા હોવાનું પણ માનવામાં આવે છે. ધોખધમતો તાપ હોય કે દુકાળની સ્થિતિ હોય. આ ધરોમાં પાણી ખૂટતુ જ નથી. પાણી એટલુ મીઠુ હોય છે. મંદિરે દર્શન કરીને આવ્યા બાદ ભક્તો આ પાણીને માથે ચઢાવવાનું ભૂલતા નથી.

માટેલિયા ધરાની આગળ એક બીજો ધરો આવે છે જે ભાણેજિયા ધરા તરીકે ઓળખાય છે. આ ધરા સાથે પણ એક વિશેષ માન્યતા જોડાયેલી છે. દંતકથા અનુસાર કહેવામાં આવ્યુ છે કે આ ધરોની નીચે માતાજીનું સોનાનું મંદિર આવેલું છે. તે સમયે બાદશાહે આ સોનાનું મંદિર જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે ધરોમાં રહેલુ પાણી ખેંચી ખેંચીને માતાજીનું મંદિર શોધી નાંખ્યુ. મંદિરની ઉપર સોનાનું ઇંડુ જોવા મળ્યુ હતું. આ વાતથી ખોડિયાર માતા કોપાયમાન થઇ ગયા હતા અને ભાણેજિયા ધરોમાં હતુ એટલુ જ પાણી ભરી દીધુ. માતાજીના સતનો આ પરચો ગળધરેથી માજી નીસર્યા ગરબામાં જોવા મળે છે.

image source

માટેલમાં આવેલા આ મંદિરમાં કુલ ચાર ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે એક મંદિર આવેલુ છે. જે માતાજીનું જૂનુ સ્થાનક ગણાય છે, અહીં એક આવડ, ખોડિયાર, હોલબાઇ અને બીજબાઇ એમ ચાર દેવીઓનો વાસ છે. આ ચારેય મૂર્તિઓમાં ખોડિયાર માતાની મૂર્તિ ઉપર સોના ચાંદીનું છત્ર અને ઓઢણી ઓઢાડેલી હોય છે. જ્યારે બાજુમાં ખોડિયાર માતાની આરસની બનેલી સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

માટેલ તીર્થધામમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. પૂનમ અને નવરાત્રિના સમયે તો અહીં ઘણી ભીડ જોવા મળે છે. અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.તેમ જ આ મંદિરે અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જેમાં દરેક માણસોને વિનામુલ્યે ત્રણેય ટાઈમ જમવાનું (પ્રસાદ) આપવામાં આવે છે. જેમાં લાપસી, શાક, રોટલી, દાળ અને ભાત પ્રસાદ તરીકે પિરસવામાં આવે છે. અહીં આવવા માટે એસ.ટી બસ તેમજ પ્રાઈવેટ વાહન દ્વારા આવી શકાય છે. તેમજ વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે. વળી અહીં શ્રદ્ધાળુઓને રહેવા માટે ધર્મશાળાની પણ સગવડ મળી રહે છે.