આ વૃદ્ધને સો સો સલામ, આ જમાનામાં પણ 5 રૂપિયામાં વેચે છે 10 જાતના જ્યુસ, મોંઘી ગાડીવાળા પણ આવે છે, પૈસાની લાલચના નામે મીંડુ

અમદાવાદમાં એક સેવાભાવી માણસ સાધુ જેવો વેશ ધરી લોકોની તંદુરસ્તી વધે એવું કામ કરી રહ્યા છે. 65 વર્ષના વૃદ્ધ સવારે પાંચ-છ વાગ્યે પોતાના સ્થાન પર પહોંચે એ પહેલાં લોકો તેમની રાહ જોતા ઊભા હોય છે. ઢળતી ઉંમર હોવા છતાં 12 વર્ષથી વૃદ્ધ સતત લોકોને આરોગ્યપ્રદ જ્યૂસ પીવડાવે છે, એ પણ ફક્ત પાંચ રૂપિયામાં. આજના જમાનામાં જ્યારે પાણીની બોટલ પણ 20 રૂપિયાની મળે છે ત્યારે વૃદ્ધ કોઈ હરખ-શોક વગર સેવાભાવથી પોતાનું કામ કર્યે રાખે છે. આ વૃદ્ધનું નામ છે બાબુભાઈ વાળંદ. બાબુભાઈના આયુર્વેદિક જ્યૂસ પીવા લોકો લક્ઝુરિયસ કાર લઈને પણ આવે છે. મોટા બિઝનેસમેનથી લઈને અધિકારીઓ તેમના રોજના ગ્રાહકો છે.

image source

અમદાવાદમાં CTM વિસ્તારમાં જોગેશ્વરી BRTS સ્ટેન્ડ સામે ફૂટપાથ પર બાબુભાઇ વાળંદ છેલ્લાં 12 વર્ષથી ઊભા રહે છે. વહેલી સવારે છ વાગ્યે તેઓ રેંકડીમાં અલગ અલગ બરણીમાં જ્યૂસ ભરીને પહોંચી જાય છે. બાબુભાઇ દસ પ્રકારના જ્યૂસ બનાવે છે. કડવું કરિયાતું, આમળાં, બીટ, ગાજર, દૂધી, કારેલાં, લીમડાં, મેથી અને આદું. આ દરેક જ્યૂસ સ્વાસ્થ્ય માટે સારા છે. સાંજે માર્કેટમાંથી સામાન લઈને આવ્યા બાદ રાત્રે અઢી વાગ્યે બાબુભાઇ ઊઠી જાય છે અને જ્યૂસ બનાવવાનું શરૂ કરે છે. એ બનાવતાં તેમને બેથી અઢી કલાક લાગી જાય છે. આ કામમાં તેમનાં પત્ની શાંતાબેન તેમનો સાથ આપે છે. બાદમાં પાંચ વાગ્યે બાબુભાઇ ગાયત્રી મંદિરની સામે તેમના સ્થળ પર આવી જાય છે.

બાબુભાઇ વર્ષો અગાઉ મિલમાં નોકરી કરતા હતા. નોકરી જતી રહેતાં તેમણે શાકભાજીની લારી પણ શરૂ કરી હતી. પછી કોથળા પર પણ શાકભાજી વેચતા હતા. એક દિવસ બાબુભાઇ અને તેમનાં પત્ની રોજની જેમ જ બેઠાં હતાં. એ સમયે અચાનક જ તેમને જ્યૂસ બનાવવાનો વિચાર આવ્યો. છેલ્લાં બાર વર્ષથી તેઓ આ જ ધંધો કરે છે.

બાબુભાઈએ જણાવ્યું હતું, ‘બાર વર્ષથી આ ધંધો કરું છું અને શરૂઆતથી જ અત્યારસુધી જ્યૂસનો ભાવ નથી બદલ્યો. ભાવ વધારવાની કોઈ ઈચ્છા પણ નથી. લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને આરામ થાય એમાં હું ખુશ છું. ઉપરાંત મારા રોટલા નીકળે એટલું મને મળી રહે છે. પરિવારમાં એક પુત્ર છે, જે માનસિક રીતે બીમાર છે.’

image source

ભાવ વધારવા અંગે તેઓ કહે છે, ‘પત્ની તો કહે છે કે આ મોંઘવારીમાં પાંચ રૂપિયા ના પોસાય, ભાવ વધારો, પરંતુ મને એવું થાય છે કે લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને તેમણે આરામ થાય એટલે ખુશી છે. મારી સેવા કરવાની ભાવના છે. અમે ત્રણ જણ છીએ. અમારે જોઈએ કેટલું? આનાથી મારું ઘર ચાલી જાય છે. મારી 65 ની ઉંમર થઈ ગઈ છે. મને કોઈ બહાર ત્રણસો રૂપિયા આપવાનું નથી. એ વાત ચોક્કસ છે. તો હું ઘરે જાતે જ મજૂરી કરું. મને 500-600 મળતા હોય તો જેનાથી મારું ચાલે છે. મને આનંદ છે. વધુ પૈસાની જરૂર નથી. બંગલા બનાવવા નથી. ગાડી લાવવી નથી કે છોકરા પરણાવવા નથી. રોટલો જોઈએ, માલિક રોટલો આપે છે.’

આસપાસના લોકો પાસેથી જાણ્યા બાદ બાબુભાઈને પૂછતા તેઓ કહે છે કે કેટલાક લોકો આવે છે, જ્યૂસ પીવે છે, પણ પૈસા નથી હોતા, પરંતુ પૈસા હોય તોપણ રામ રામ, ન આપે તોપણ રામ રામ. બધું રામભરોસે ચાલે છે. કેટલાક લોકો નામ સાંભળીને ઘણા દૂરના વિસ્તારોમાંથી આવે છે. કેટલાક આવીને એમ કહે છે કે “કાકા, રોજ જ્યૂસ પીવા આવવું છે પણ બહુ જ દૂર પડે છે”. તેમને બાબુભાઇ કહે છે, ‘જ્યુસ પીવા રોજ આવવું. તમારા રૂપિયા હું નહીં લઉં.” આગળ કહે છે કે નહીં ધંધો નહીં ગ્રાહક. મિત્રતા અને સેવા તરીકેનું વર્તન કરું છું.’