ત્રણેય પાર્ટીમાં જોડાવાની બૂમરાણ વચ્ચે નરેશ પટેલના દિકારાએ પિતા વિશે બોમ્બ ફોડ્યો, જાણો શું કહ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે,રાજ્યભરમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની રાજકીય એન્ટ્રીના નિર્ણય પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે હાર્દિક પટેલની કથિત નારાજગી વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે. એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે એવામાં કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલે તેમની સાથે બેઠક યોજી છે. નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે હાર્દિક પટેલે અગાઉ ખુબ પ્રયાસો કર્યા હતા. જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યુ હતુ. પરંતુ ત્યાર બાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનુ પણ સામે આવ્યુ હતુ. ત્યારે હવે આ બેઠકને લઈ સવાલો ઉઠી રહ્યા છે કે, હાર્દિકે આ બેઠકમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આગ્રહ કર્યો હશે? કે પછી માત્ર સમાજના હિત અંગે જ ચર્ચા વિચારણા કરવામાં આવી હશે ?

નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇને વધુ એક મુદત પડી છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ લેશે કે કેમ તે અંગે મે મહિનામાં નિર્ણય લેવાશે તેમ જાણવા મળ્યુ છે. નરેશ પટેલની દિલ્લીની મુલાકાત ફળદાયી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલના પુત્ર શિવરાજે કહ્યુ કે રાજકારણમાં જોડાવુ કે કેમ તે અંગે સરવે ચાલુ છે. મોટાભાગના લોકો કહે છે કે નરેશ પટેલ રાજકારણથી દૂર રહે. જો કે આ અંગે દિનેશ કુંભાણી, રમેશ ટીલાળા સહિત સમૂહ મળીને સર્વે કરી રહ્યાં છે. સર્વે પૂરો થયા બાદ નરેશ પટેલ નક્કી કરશે કે રાજકારણમાં જવું કે નહીં ? ખોડલધામની પોલિટિકલ કમિટી સર્વે કરી હોવાનો નરેશ પટેલના પુત્ર શિવરાજે દાવો કર્યો છે.

image source

નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશતા પહેલા ખોડલધામ છોડશે તેવુ વાતો પણ થઈ રહી છે કારણ કે ખોડલધામના બંધારણ મુજબ રાજનીતિમાં પ્રવેશતાની સાથે જ પદ છોડવું જરૂરી છે પણ આ પહેલા બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટીઓનો વિપરીત મત રજૂ કર્યો હતો. ખોડલધામના ટ્રસ્ટીઓએ તર્ક આપ્યો હતો કે જો બાબુ જમના પટેલ ઉમિયાધામના પ્રમુખ બની શકે તો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન કેમ ન રહે. સમગ્ર મુદ્દે નરેશ પટેલનો નિર્ણય આખરી રહેશે.

હાર્દિક પટેલ સાથે બેઠક

આજે 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક ચાલી હતી. આ બેઠક રાજકોટમાં નરેશ પટેલના નિવાસ્થાને યોજાઈ હતી. બંને પાટીદાર નેતાઓએ બંધબારણે ખાનગી બેઠક કરી હતી.