બનાસકાંઠાની 50 હજાર મહિલાઓ એકસાથે PM મોદીને લખશે પત્ર અને રેલી કાઢશે, 125 ગામના ખેડૂતો કરશે આંદોલન

બનાસકાંઠામાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. જેને લઇને જળ માટે આંદોલન થઇ રહયા છે. પાલનપુર તાલુકાના મલાણા તળાવ ભરવાની માંગને લઇને આંદોલન થયું અને ત્યારબાદ કરમાવદ તળાવ ભરવાની માંગને લઈને પણ આંદોલન થયું. 125 ગામો દ્વારા કરમાવદ તળાવ ભરવાની માંગ કરવામાં આવી તેમ છતાં કોઇ ઉકેલ ન આવતા ખેડૂતોએ અનોખી રીતે સરકારને પાણી છોડવા માટે રજૂઆત કરી હતી. મહત્વનું છે કે ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી ભરવાની માંગ કરી રહ્યાં છે પરંતુ સરકાર દ્વારા આજદિન સુધી પાણી ન અપાતા ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે.

image source

બનાસકાંઠામાં કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમ ભરવાની માંગ વધુ તેજ બની છે. 125 ગામના લોકોએ આ વખતે પોતાની માંગને લઇને અનોખી રજૂઆત કરી. 125 ગામો મા ગુરુ મહારાજ નું નામ લઈ દીવા પ્રગટાવ્યા. ધોતા, જસલેની, મેમદપુર, રૂપપૂરા સહિત 125 ગામોમાં દીપ પ્રગટાવીને રસ્તા પર ઉતરી આવ્યા. તો આ તરફ મુસ્લિમ ભાઇઓએ ભેગા થઇને નમાજ પઢીને જળાશયોમાં પાણી છોડવા માટે પ્રાર્થના કરી હતી.

છેલ્લા ઘણા સમયથી 125 ગામના લોકો પાણીની માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર કઈ જવાબ આપતી નથી. ત્યારે હવે મહિલાઓ પોતાની માગોને લઇને આગળ આવી છે. સરકાર નહીં જાગે તો 50 હજાર મહિલાઓ પાણી માટે રેલી કરશે. પાલનપુરમાં આગામી દિવસોમાં મહિલાઓની રેલીનું આયોજન થશે. આ ઉપરાંત 50 હજાર મહિલાઓ PMને પોસ્ટ કાર્ડ લખીને પાણીની માગ કરશે. જ્યાં સુધી કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નહીં ભરવામાં આવે ત્યાં સુધીં 125 ગામના ખેડૂતોની આંદોલન યથાવત રહેશે.

image source

મહત્વનું છે કે અઠવાડિયા અગાઉ 125 ગામના ખેડૂતો ટ્રેક્ટર ભરીને રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો.125 ગામના ખેડૂતો પાલનપુરમાં આદર્શ સ્કૂલ ખાતે એકઠા થયા હતા. ખેડૂતોની સભા બાદ તમામ ખેડૂતો રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન પત્ર આપીને કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમ ભરવા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.