ચૂંટણી સમયે ભાજપનો મોટો ઘા, સમગ્ર ગુજરાતમાં હવે માલધારી સમાજના વાડા કાયદેસર થશે, વર્ષો જુના ભેદ પણ ઉકેલાશે

ગુજરાત મહેસૂલ વિભાગ આગામી એક સપ્તાહની અંદર રાજ્યના 70 લાખ કરતાં વધુ પશુપાલકો અને માલધારીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. 54 વર્ષ અગાઉનો વિવાદાસ્પદ પ્રશ્ન ઉકેલીને પશુપાલકો – માલધારીઓની મોટી સમસ્યા હલ કરવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. વાડા સંહિતાના નિયમ અનુસાર, સીમતળમાં આવેલા વાડાને માલિકી હક આપવાનો નિર્ણય લેવામાં આવશે.

image source

વર્ષ 2017માં રાજ્ય સરકારના મહેસૂલી વિભાગે ગામતળમાં આવેલા વાડાને માલિકી હક આપવામાં આવ્યો હતો. જોકે સીમતળમાં આવેલા વાડાનો માલિકી હક આપવાનો નિર્ણય પડતર હતો ત્યારે હવે રાજ્ય સરકારને મળેલી રજૂઆત આધારે સરકાર સીમતળ વાડાને પણ કાયદેસર માલિકી હક મળે એ માટે નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરશે.

વર્ષ 2017ની ચૂંટણીમાં ગામતળની જમીન અંગે સરકારે નિર્ણય લઈને માલધારીઓને રીઝવ્યા હતા ત્યારે હવે વર્ષ 2022ની ચૂંટણી અગાઉ ફરીથી એક વખત સીમતળ મુદ્દે નિર્ણય લઈને માલધારીઓને સંતોષવા સરકાર પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઢોર નિયંત્રણ બિલ લાવ્યા બાદ જે રીતે માલધારી સમાજનો રોષ ભભૂકી ઊઠ્યો હતો ત્યારે સરકારને નાછૂટકે આ બિલ રદ કરવાની ફરજ પડી હતી ત્યારે સરકારનું માનવું છે કે સીમતળના વિવાદ ઉકેલવા થકી 42 વિધાનસભા વિસ્તારમાં રહેતા માલધારીઓને રીઝવી શકાશે.

image source

સરકારના નિર્ણય પ્રમાણે અને વાડા સંહિતા મુજબ 1968 પહેલાં જે પશુપાલકોએ પોતાનાં પશુઓને ગામથી દૂર રાખવા માટે જમીન મેળવી હશે અને જે-તે સમયે જમીનની નોંધ મામલતદાર કક્ષાએ કરાવી હશે એવા પશુપાલકોને વાડાનો કાયદેસરનો હક મળશે. વર્ષ 1968 બાદ જે પશુપાલકોએ વાડાની નોંધ મામલતદારમાં કરાવી હશે તેમને આ નિર્ણયનો લાભ નહિ મળે.

વર્ષ 2017માં જ્યારે ગામતળમાં આવેલા વાડાને જમીની હક આપવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો ત્યારે વાડાંનું ક્ષેત્રફળ 200 ચો.મી મર્યાદામાં નક્કી કરવામાં આવ્યું હતું. વાત હવે સીમતળમાં આવેલા વાડાની છે તો એની વિચારણા ચાલી રહી છે, કારણ કે સીમતળમાં વાડાનું ક્ષેત્રફળ વધારે હોય છે, જેથી એનું ચોક્કસ ક્ષેત્રફળ નક્કી કરવું જરૂરી બની રહે છે. રાજ્ય સરકારના નવો ઠરાવ કરશે, જેમાં વાડાનું ક્ષેત્રફળ નક્કી થયા પ્રમાણે માલિકી હક્ક આપવામાં આવશે. જે વાડાની જગ્યા રસ્તો, કેડી કે પછી અવરજવરમાં નડતરરૂપ હશે તો તે જગ્યા બાકાત કરીને નવું ક્ષેત્રફળ નક્કી કરીને વાડાં માલિકી હક આપવામાં આવશે.