CM ભુપેન્દ્ર પટેલે વડોદરાની ઝુપડપટ્ટીની સામાન્ય માણસની જેમ અચાનક જ મુલાકાત લીધી, સ્થાનિકોએ કહ્યું- સાહેબ ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે સવારે વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગર ઝુપડપટ્ટીની ઓચિંતી મુલાકાત લીધી હતી. CMને પોતાના વિસ્તારમાં જોઇને સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો. તમે CM છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો.

image source

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે લોકો જીવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી સવારે 9:30 વાગ્યે અચાનક જ એકતાનગરની મુલાકાતે પહોંચી ગયા હતા. આમ CMને પોતાના વિસ્તારમાં આવેલા જોઇને સ્થાનિક લોકો અચંબામાં મુકાઇ ગયા હતા. આ દરમિયાન એક વૃદ્ધ મહિલા સહિત સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની મુશ્કેલી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પણ તેમની મુશ્કેલીઓ દૂર કરવાની હૈયાધારણા આપી હતી.

એક વૃદ્ધ મહિલા અને સ્થાનિકોએ CMને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ તમે ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો. તમે CM છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો. પણ અમારી સમસ્યાનું નિવારણ તમે લાવી આપો. પાણી અને ગટરની સમસ્યા દૂર કરી આપો.

બીજી તરફ રાજકીય અગ્રણીઓને મુખ્યમંત્રીની એકતાનગરની મુલાકાત અંગે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. આમ CM(કોમન મેનની જેમ) આજે કોઇને જાણ કર્યા વિના જ વડોદરાના એકતાનગરમાં પહોંચી ગયા હતા. જેના પગલે સ્થાનિક લોકોમાં પણ ખુશી જવા મળી હતી.

image source

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સાથે અમદાવાદથી કારમાં સુખાલીપુરા ગામે પહોચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલને કોઇ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે સરકારના કોઇ અધિકારીઓ, જિલ્લાતંત્ર વાહકોને જાણ કર્યા વિના વડોદરાના આ સુખાલીપુરા ગામે પહોચી ગયેલા જોઇ ગ્રામજનો તો અચંબામાં પડી ગયા.

મુખ્યમંત્રીએ પણ પોતાના વાહનમાંથી ઉતરી ગ્રામીણખેડૂતો-માતા-બહેનોના ઘર આંગણે જઇને તેમની સાથે સહજ વાતચીત સંવાદથી જનસેવક તરીકેની અનોખી સંવેદના દર્શાવી હતી. તેમણે ગ્રામીણ મહિલાઓ સાથે ગામમાં સફાઇ, પાણી, વીજળી જેવી પાયાની સુવિધા અંગે, શાળાએ જતા બાળકો સાથે શાળા શિક્ષણ અંગે લંબાણપૂર્વક વાતચીત કરીને સરકારની યોજનાઓના લાભ બરોબર મળે છે કે કેમ? તેની પૃચ્છા કરી હતી. મુખ્યમંત્રી સૌ પ્રથમ સુખાલીપુરાના નવી નગરી વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું.