દલિત વર-કન્યાને મંદિરમાં જતા રોક્યા, પૂજારીએ ગાળો બોલી કહ્યું – તમારા માટે બહાર જગ્યા બનાવી

રાજસ્થાનના જાલોર જિલ્લામાં મંદિરના પૂજારીએ દલિત વર-કન્યાને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા અને તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. આ કિસ્સો ભાદ્રાજૂનના નીલકંઠ મહાદેવ મંદિરનો છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે પૂજારી દલિત વર-કન્યાને બહારથી જ માથું નમાવવાનું કહી રહ્યા છે.

જ્યારે વરરાજા અને તેના પરિવારજનોએ આનો વિરોધ કર્યો ત્યારે પૂજારી પક્ષ સાથે દલીલમાં ઉતર્યા હતા. વરરાજાએ આરોપ લગાવ્યો છે કે, પૂજારીએ તેમને મંદિરમાં પ્રવેશ કરવા અને પૂજા કરતા અટકાવ્યા છે. પૂજારી વેલા ભારતીએ તેને બહાર માથું નમાવવા કહ્યું કારણ કે તેના માટે પૂજાનું સ્થળ ત્યાં જ હતું. પીડિત વરરાજાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

image source

એસપી હર્ષવર્ધન અગ્રવાલે એક્સન લેતા ભાદ્રાજૂન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને SC-ST એક્ટ હેઠળ પૂજારી વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. વરરાજાએ જણાવ્યું કે, 21 એપ્રિલના રોજ આહોરના સાઢ઼ણ ગામમાં તેઓ જાન લઈને પહોંચ્યા હતા. ગુરૂવારે ફેરા લીધા બાદ શુક્રવારે વિદાઈ હતી પરંતુ રાજસ્થાની પરંપરા અનુસાર વિદાઈ પહેલા વર-કન્યાને મંદિરમાં પૂજા અને નારિયેળ ચઢાવવાનું હતું.

વર-કન્યા પરિવાર સહીત નીલકંઠ મહાદેવના મંદિરે પહોંચ્યા પરંતુ તેમને અંદર પ્રવેશવા નહોતા દીધા અને તેમને નારિયેળ બહાર ચઢાવવા કહેવામાં આવ્યું હતું. જ્યારે આ બંને પક્ષો વચ્ચે દલીલ થઈ રહી હતી ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવી લીધો હતો અને તેને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરી દીધો હતો. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.