ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી દીધી, રવિન્દ્ર જાડેજા બન્યો નવો કેપ્ટન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુરુવારે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટન્સી છોડી દીધી છે. તેના સ્થાને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કમાન સોંપવામાં આવી છે. ધોની એક ખેલાડી તરીકે ટીમ સાથે રમવાનું ચાલુ રાખશે. ધોની 2008માં ટૂર્નામેન્ટની શરૂઆતથી CSKનો કેપ્ટન હતો. દરમિયાન, તેણે માત્ર બે વર્ષ માટે CSKનું નેતૃત્વ કર્યું ન હતું કારણ કે સ્પોટ-ફિક્સિંગ કૌભાંડને કારણે ટીમ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

image source

CSKએ એક નિવેદનમાં કહ્યું, “મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની અન્ય ખેલાડીને સોંપવાનો નિર્ણય કર્યો છે અને તેણે ટીમનું નેતૃત્વ કરવા માટે રવિન્દ્ર જાડેજાની પસંદગી કરી છે. જાડેજા 2012 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન હિસ્સો છે અને CSKનું નેતૃત્વ કરનારો તે માત્ર ત્રીજો ખેલાડી હશે.

આ વખતે ચેન્નાઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ધોનીને આ સિઝન માટે માત્ર 12 કરોડમાં જ રિટેન કરવામાં આવ્યો હતો. આના પરથી શરૂઆતથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.

33 વર્ષીય જાડેજા 2012થી ચેન્નાઈની ટીમ સાથે છે. તે CSK ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. 213 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે. આ વચ્ચે સુરેશ રૈનાએ 6 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે જેમાંથી ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે.

image source

40 વર્ષીય ધોની 2008માં લીગની શરૂઆતથી જ CSKનો કેપ્ટન છે અને આ તેની છેલ્લી IPL હોઈ શકે છે. તે પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.

સુનીલ ગાવસ્કરે પણ સ્વીકાર્યું છે કે, ‘રવીન્દ્ર જાડેજા વર્ષોથી એક ખેલાડી તરીકે પરિપક્વ થયો છે, તેણે તેની રમતના સંદર્ભમાં જે રીતે વિકાસ કર્યો છે અને જે રીતે તે મેચની પરિસ્થિતિઓ અનુસાર રમે છે. હા, તે અદ્ભુત છે.’