ગુણાતીતસ્વામીએ ખુરશી ઉપર ડોલ અને ઓશીકું મૂકીને ગાતરિયાથી ગળાફાંસો ખાધો, સંતોએ કુદરતી મોત ગણાવીને વાત કેમ છુપાવી ?

હરિધામ સોખડામાં 69 વર્ષીય ગુણાતીત ચરણદાસ સાધુએ બુધવારે સાંજે 7થી 7:20 વાગ્યા વચ્ચે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે સંતોએ ગુણાતીતસ્વામીનું કુદરતી મોત થયું હોવાનું જણાવ્યું હતું. પીએસઆઈ લાંબરિયાએ જણાવ્યું હતું કે સાધુના રૂમમાં ઝેડ આકારનો હૂક હતો, એમાં સાધુએ પોતાના ભગવા ગાતરિયાથી ગાળિયો બનાવ્યો હતો. ફાંસો ખાવા માટે ખુરશી ઉપર ડોલ અને એની ઉપર ઓશીકાના સહારો લઈને તેમણે આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસે પ્રભુપ્રિયસ્વામી, સગાંવહાલાં મળી કુલ પાંચ જનનાં નિવેદનો નોંધ્યાં છે.

image source

ઘટનાની જાણ થયા બાદ પોલીસે પૂછપરછ કરતાં સોખડા મંદિરના સંતોએ ગુણાતીત ચરણદાસ સાધુનું કુદરતી મોત નીપજ્યું હોવાની વાત જણાવી હતી, પરંતુ પેનલ પીએમ બાદ ગળાફાંસો ખાધો હોવાની વાત બહાર આવતાં સંતો ફરી ગયા હતા અને પરિવારજનોની વિનંતી બાદ સાધુના આપઘાતના સમાચાર બહાર વહેતા ન થાય એ માટે પોલીસને જાણ ન કરવામાં આવી હોવાનું સોખડાના સંતોએ પોલીસના નિવેદનમાં જણાવ્યું હતું.

ગુણાતીત સાધુના આપઘાત બાદ મૃતદેહને રૂમમેટ પ્રભુપ્રિયસ્વામી સહિત બે સંતોએ નીચે ઉતાર્યો હતો. આપઘાતને કુદરતી મોતમાં ખપાવવા સોખડા મંદિરમાં રહેતા સંતો દ્વારા કારસો ઘડી મંદિરના સંતોએ તાબડતોબ પાલખીમાં મૃત સાધુનો નશ્વર દેહ ગોઠવી સોખડા સ્મશાનમાં લઈ જવાની તૈયારી કરી લીધી હતી. દરમિયાન પ્રબોધમ ગ્રુપના હરિભક્તોએ હોબાળો મચાવીને પેનલ પીએમ કરાવવા જિલ્લા એસપી-કલેક્ટરને રજૂઆત કરતાં તાલુકા પોલીસ મંદિર પહોંચી સાધુના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલાયો હતો.

image source

જોકે ગળા પર ફાંસો ખાંધા હોવાના માર્ક જોયા બાદ પણ પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોતી રહી હતી. રિપોર્ટમાં આપઘાત હોવાનું ખૂલતાં પોલીસની બે ટીમ હરિધામ મંદિર પહોચીને પંચનામું તેમજ સંતોના નિવેદનો નોંધ્યા હતા. તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વી.જી.લાંબરિયાએ જણાવ્યું હતું કે મંદિરમાં 21 નંબરના રૂમમાં ગુણાતીત ચરણદાસ સાધુ પોતાના રૂમમેટ પ્રભુપ્રિયસ્વામી સાથે રહેતા હતા. મંદિરના સીસીટીવી ફૂટેજમાં જોતાં બુધવારે સાંજે સાત વાગે ગુણાતીતસ્વામી પોતાના રૂમમાં જતા દેખાય છે. જ્યારે સાંજે 7:20 વાગે પ્રભુપ્રિયસ્વામી તેમના રૂમમાં જતા દેખાય છે.

પ્રભુપ્રિયસ્વામીએ નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ સવાસાત વાગે દવા લેવા જતાં રૂમનો દરવાજો અંદરથી બંધ હતો અને તેમને ચાવી વડે રૂમ ખોલતાં સામે જ ગુણાતીત ચરણદાસ સાધુની ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો, જેથી તેમણે તરત મંદિરના સંતોને આ અંગે જાણ કરી હતી. બીજા એક સંતની મદદથી પ્રભુપ્રિયસ્વામીએ ગુણાતીતસ્વામીની લાશને નીચે ઉતારી હતી અને મંદિરના ડોક્ટર અશોક મહેતાને બોલાવતાં તેમણે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા.