જમાવટ થઈ ગઈ, જામનગર કીર્તિદાનના ડાયરામા ગુલાબી નોટો તો ઉડી જ ઉડી પણ વિદેશી નોટોના બંડલ ઉડ્યા

જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે હાલ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. જેનો આજે રવિવારે છેલ્લો દિવસ છે. ત્યારે શહેરીજનોની સાથે રાજકીય આગેવાનો પણ કથાનું રસપાન કરવા પહોંચી રહ્યા છે. આ દરમિયાન કથા સ્થળ પર શનિવારે રાત્રે માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. જેમાં 500 અને 2000ની ગુલાબી નોટો વરસાદ થયો હતો. તેમજ વિદેશી ચલણનો પણ વરસાદ થયો હતો. ભાજપ, કોંગ્રેસ તેમજ એનસીપીના નેતાઓ પણ હાજર રહ્યા હતા અને નેતાઓએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

image source

લોકડાયરામાં ભાજપ, કોંગ્રેસના ધારાસભ્ય પર એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. તેમજ જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણ પરમારે રૂપિયા 500ની ચલણી નોટોનો અને પોરબંદરના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ રૂપિયા 2000ની ચલણી નોટોનો વરસાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ઉપર કર્યો હતો. આ લોકડાયરામાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના નેતાઓનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

કચ્છના સાંસદ અને ભાજપ પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, અલ્પેશ ઠાકોર, ભાગવત કથાના યજમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના નેતાઓ પર એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા અને અગ્રણી બિલ્ડર મેરામણ પરમારે 500 અને ગુલાબી 2000ની નોટોના બંડલનો વરસાદ કર્યો હતો.

image source

આ ઉપરાંત લોકડાયરામાં જ્યા જુઓ ત્યા ચલણી નોટો જ જોવા મળી હતી. કલાકારો પણ ચલણી નોટો વચ્ચે સ્પષ્ટ દેખાઈ શક્યા ન હતા. આ ડાયરામાં 10, 20, 50 અને100ના ચલણી નોટોના બંડલથી પણ વધુ 500ની ચલણી નોટોના નવા બંડલનો વરસાદ થયો હતો. ખાસ કરીને અગ્રણી બિલ્ડર મેરામણ પરમાર અને ધારાસભ્ય કાંધલ જાડેજાએ 500 અને 2000ની નોટો ઉડાડી હતી. તેમજ પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા લોકડાયરામાં હાજર રહેલા લોકોએ પણ નોટના બંડલો ઉડાડ્યા હતા. એટલું જ નહીં કેટલાક વિદેશી મહેમાનો પણ આવ્યા હતા અને તેઓએ ડોલરનો વરસાદ કર્યો હતો. જેને નિહાળીને કલાકાર તો ઠીક તમામ શ્રોતાગણ મંત્રમુગ્ધ બની ગયા હતા.

જામનગર શહેરના ઇતિહાસમાં આટલી બધી નોટ ઉપરાંત વિદેશી કરન્સી તથા 500 અને 2000ની ચલણી નોટોનો વરસાદ થયો હોય તેવું સાયદ પ્રથમ વખત જોવા મળ્યું હતું. જેને નિહાળીને જામનગરની જનતા આશ્ચર્ય ચકિત બની હતી.

લોકડાયરામાં અભૂતપૂર્વ જનમેદની ઉમટી પડી હતી. ભાગવત સપ્તાહના આ અંતિમ લોકડાયરામાં રાજ્યભરમાંથી અનેક રાજકીય આગેવાનો, સંતો, મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ રાજ્યપાલ અને રાજકોટના મોભી એવા વજુભાઈ વાળા, તથા અન્ય ધારાસભ્યો, ભાજપ અને કોંગ્રેસના રાજ્યકક્ષાના નેતાઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ઉપરાંત પૂર્વ આઈપીએસ અધિકારી વગેરે પણ લોકડાયરોના કાર્યક્રમમાં પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકો આ લોકડાયરમાં એક પછી એક રજૂ થતી સંગીતસભર કૃતિ સાંભળીને ભાવવિભોર બન્યા હતા. લોકડાયરાના કાર્યક્રમની મધ્યે યજમાન પરિવાર દ્વારા સમગ્ર રાજ્યભરમાંથી આવેલા અતિથિઓનો ખેસ પહેરાવી સ્મૃતિભેટ અર્પણ કરી વિશેષ રૂપે સન્માન કરાયું હતું.

image source

શુક્રવારે યોજાયેલા લોકડાયરામાં પણ ચલણી નોટોનો ભારે વરસાદ થયો હતો. જેમાં પણ અત્યાર સુધીના જામનગર શહેરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ધારાસભ્યો સહિતના અનેક રાજકીય અગ્રણીઓ, બિલ્ડર, વેપારીઓ, વગેરે દ્વારા કરાયેલા ચલણી નોટોના વરસાદ પછી નોટો એકત્ર કરવા વાળાની ટીમ તેમજ ગણવા વાળી ટીમ પણ થાકી ગઈ હતી. એક તબક્કે યજમાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નોટોનો વરસાદ કરનારા મહેમાનોને હાથ જોડીને નોટરૂપી આશીર્વાદ બંધ કરવા વિનંતી પણ કરવી પડી હતી. એકંદરે સાત દિવસના રાત્રિ કાર્યક્રમ પૈકીનો શનિવારની રાત્રિનો અંતિમ કાર્યક્રમ સુપરહિટ સાબિત થયો હતો.