કાબુલ ફરી ધણધણી ઉઠ્યું, મસ્જિદ અને મીની બસોમાં વિસ્ફોટો, લાશોના ઢગલા થઈ ગયા, જાણો શા માટે લેવામાં આવે છે નિર્દોષ લોકોના જીવ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મસ્જિદ અને ઉત્તરીય શહેર મઝાર-એ-શરીફમાં ત્રણ મિની બસોમાં બુધવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા. જો કે, સંખ્યા હજુ વધી શકે છે. બલ્ખ પ્રાંતીય પોલીસના પ્રવક્તા આસિફ વઝીરીએ જણાવ્યું હતું કે બોમ્બ શહેરના અલગ-અલગ જિલ્લાઓમાં ત્રણ મિની બસો પર મૂકવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે વિસ્ફોટોમાં અન્ય 15 લોકો ઘાયલ થયા છે. બલ્ખ આરોગ્ય વિભાગના વડા નજીબુલ્લા તવાનાએ જણાવ્યું હતું કે વાહન વિસ્ફોટમાં માર્યા ગયેલાઓમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

image source

બુધવારે મોડી રાત્રે રાજધાની કાબુલમાં એક મસ્જિદની અંદર બીજો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા, આંતરિક મંત્રાલયે જણાવ્યું હતું. તે જ સમયે, કાબુલની એક હોસ્પિટલે ટ્વિટ કર્યું હતું કે મસ્જિદ વિસ્ફોટમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને 22 અન્ય ઘાયલ થયા હતા.

કાબુલની એક મસ્જિદની અંદર થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઘાયલોને બચાવવા માટે એમ્બ્યુલન્સ મસ્જિદ પર પહોંચી હતી. મળતી માહિતી મુજબ મસ્જિદમાં પંખાની અંદર બોમ્બ રાખવામાં આવ્યો હતો. બુધવારના રોજ થયેલા ચાર બોમ્બ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકી જૂથે લીધી નથી.

ગયા મહિને, 29 એપ્રિલે, કાબુલમાં સુન્ની મસ્જિદ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા. અહીં મોટી સંખ્યામાં લઘુમતી સૂફી સમુદાયના સભ્યો હાજર હતા જેઓ નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા. 21 એપ્રિલના રોજ, મઝાર-એ-શરીફમાં શિયા મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 નમાઝીઓ માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

image source

રમઝાન દરમિયાન સૌથી ઘાતક હુમલો ઉત્તરીય શહેર કુન્દુઝમાં થયો હતો જ્યારે 22 એપ્રિલે એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટમાં સૂફી ઉપાસકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તે વિસ્ફોટમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

સુન્ની બહુમતી ધરાવતા અફઘાનિસ્તાનમાં ISની પ્રાદેશિક શાખાએ વારંવાર શિયા અને સૂફી જેવા લઘુમતીઓને નિશાન બનાવ્યા છે. IS એ તાલિબાનની જેમ સુન્ની ઇસ્લામિક જૂથ છે, પરંતુ બંનેને સખત હરીફ માનવામાં આવે છે.