‘મારી છોડી પરણવા લાયક થઈ પણ ગમે તૈંયે પડી જાય છે, હવે એની હારે કુણ લગન કરશે ?, દવા કરોને સાયબ..”

26 માર્ચનો દિવસ એટલે એપિલેપ્સી અવેરનેસ ડે. એનું બીજું નામ પર્પલ ડે. ગુજરાતમાં એપિલેપ્સી શબ્દ અજાણ્યો નથી, એટલો જાણીતો પણ નથી. ગુજરાતમાં એપિલેપ્સી જેવા ભારેખમ શબ્દના બદલે તાણ, આંચકી, ખેંચ, વાઈ જેવા શબ્દો બોલાય છે. પણ એપિલેપ્સી એ બીમારી છે અને તાણ, ખેંચ એ એના લક્ષણો છે.

image source

પાલનપુર પાસેના નાનકડા ગામડાંમાં ખેતમજૂર પરિવાર રહે. એને ત્યાં દીકરીનો જન્મ થયો. આ દીકરી ત્રણ વર્ષની થઈ ને ખેતરમાં એની મમ્મી પાસે બેસીને માટીનાં ઢેફાંથી રમતી હતી ત્યાં એના હાથ-પગ ખેંચાવા લાગ્યા. મોઢું કડક થઈ ગયું. પહેલીવાર આવું થયું એટલે એની મમ્મી ગભરાઈ ગઈ. શું કરવું સમજાયું નહીં પણ બાજુના ખેતરમાં કામ કરતાં બહેનો દોડી આવ્યા. કહ્યું, મૂઈ કાંઈ નથ. ખેંસ આવી છે ખેંસ. ડુંગરી હુંઘાડ. ઘડીકમાં હરખું થાહે… થયું એવું જ. ઉજીને ત્રણ મિનિટમાં તો સરખું થઈ ગયું. વારંવાર આવું થતું એટલે ઘરમાં બધા ટેવાઈ ગયા કે આને તો આવું થાય છે. આ છોકરી બહુ ભણી નહીં પણ ખેતરમાં કામ કરે ને ઘરકામ કરે.

એ પરણવા જેવડી થઈ છતાં ખેંચ, મિરગિ, આંચકી ચાલુ રહ્યાં. હવે પરિવારજનો મુંઝાયા. એની મમ્મીએ પિતાને કહ્યું, આપણી છોકરીને આવી તકલીફ રહેશે તો તેની સાથે કોણ લગ્ન કરશે ? હું તો કઉં ડોક્ટર સાહેબને બતાવીએ…. પહેલાં તો આ પરિવારે પ્રાથમિક સારવાર કેન્દ્રમાં બતાવ્યું પછી કોઈએ સલાહ આપતાં અમદાવાદમાં ન્યુરોફિઝિશિયનપાસે આવ્યા. છોકરીની મમ્મી બોલ્યાં, મારી છોકરી પરણવા લાયક થઈ પણ ગમે તૈંયે પડી જાય છે, હવે એની હારે કોણ લગન કરશે ?, દવા કરોને સાયબ… ડોકટરે એપિલેપ્સીની બીમારી વિશે એમને સમજાવ્યું અને સલાહ આપી કે, જો નાનપણથી તમે દવા કરાવી હોત તો આજે આટલી તકલીફ ના હોત.

image source

આ કેસ પરથી એટલો નિષ્કર્ષ ચોક્કસ નીકળે કે એપિલેપ્સી મામલે ગામડાંમાં જાગૃતિ નથી આવી. ગામડાંના લોકોએ એ સમજવાની જરૂર છે કે ખેંચની બીમારીને બહુ ખેંચવાની જરૂર નથી. શહેરમાં અવેરનેસ આવી છે એ સારી બાબત છે અને સૌથી સારી વાત તો એ છે કે એપિલેપ્સીની દવા છે અને દવાથી જ આ બીમારી પર કાબૂ મેળવી શકાય છે. અમદાવાદના ન્યુરોફિઝિશિયનએ જણાવ્યું કે, આ માનસિક રોગ નથી. મગજમાં થતી બીમારી છે. મગજમાં ઊર્જાનો ચોક્કસ પ્રકારનો પ્રવાહ વહેતો હોય છે. આ પ્રવાહમાં જ્યારે વધારે તિવ્રતા આવે ત્યારે ખેંચ આવે છે.