રાજકોટમાં એક મંચ પર અનેક ‘રંગ’ જોવા મળ્યા,પાટીલે કેસરી અને નરેશ પટેલે સફેદ પાઘડી પહેરીને કહ્યું- ટોપી પહેરજો, કોઈને પહેરાવતા નહીં’

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખાસ કરીને પાટીદાર સમીકરણો ભાજપે અંકે કરી લીધા હોય એવા સંકેત છે. ખાસ કરીને હાર્દિક પટેલની ભાજપમાં એન્ટ્રીને નોન ઈવેન્ટ બનાવી દીધા બાદ હવે નરેશ પટેલ ફેક્ટર પણ એ બાજુ જ જઈ રહ્યું છે. રવિવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટ આવીને આ સંકેત આપી દીધા હતા. બે અલગ અલગ કાર્યક્રમમાં પાટીદાર નેતા નરેશ પટેલ રૂબરૂ થયા, પણ બન્નેની બોડી લેંગ્વેજ એ દર્શાવતી હતી કે આગામી સમયમાં ખોડલધામના ચેરમેન કોઈ નાટયાત્મક પગલું લેશે નહીં. જોકે નરેશ પટેલના માથે ભગવા રંગની પાઘડી નહોતી, પરંતુ તેણે સફેદ પહેરી. જ્યારે પાટીલના માથે ભગવા રંગની પાઘડી હતી. આમ, મંચ એક હતું, પણ બંને વચ્ચે ‘રંગ’ અલગ જોવા મળ્યો હતો. પાટીલે કાર્યકર્તાઓને કટાક્ષમાં કહ્યું હતું કે પાર્ટીની ટોપી પહેરજો, પણ કોઈને પહેરાવતા નહીં.

image source

આ પહેલાં પણ મોદીના કાર્યક્રમમાં નરેશ પટેલ ભાજપથી દૂરી રાખી હતી. નરેશ પટેલ મગનું નામ મરી પાડતા નથી, એ સમયે પાટીલનું સૂચક નિવેદન ઘણું કહી જાય છે. મવડી રોડ પર એક જિમનું પાટીલે ઉદઘાટન કર્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખે તેમના વ્યસ્ત શેડ્યૂલમાં પણ આ પ્રકારના ઉદઘાટનમાં હાજરી આપીને એક મેસેજ પણ આપી દીધો હતો. બે દિવસ પૂર્વે અહીં ‘હાર્ટલી વેલકમ’ સાથે જે બેનર લાગ્યાં એ પણ કોઈ સૂચક નહીં, ફક્ત ચર્ચા જગાવવા માટેનાં હતાં એવું ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું.

જિમના ઉદઘાટનમાં પાટીલ અને નરેશ પટેલ વચ્ચે ભાગ્યે જ આંખ મિલાવીને વાત થઈ હતી. બાદમાં વોર્ડ નં. 6ના પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડિયાના ટ્રસ્ટ હેઠળના સમૂહલગ્નમાં બન્નેએ ફોટોસેશન કર્યું. અહીં પણ પાટીલ નરેશ પટેલને મળ્યા, પણ બન્ને વચ્ચે બોડી લેંગ્વેજ અલગ જ દેખાઈ હતી. બન્નેમાંથી કોઈએ મેસેજ આપ્યો નહીં અને આયોજકોએ પાટીલને ભગવા તથા નરેશ પટેલ માટે સફેદ પાઘડી તૈયાર રાખી હતી.

image source

બાદમાં ભાજપના જ નેતાઓ સાથે ફોટોસેશન થયું, પણ હવે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશમાં વધુ એક મુદત પડી છે, જે છેક માર્ચ મહિનાથી ચાલી આવે છે. આમ, આ એક એપિસોડનો અંત આવ્યો હોય એવી ચર્ચા છે.