રશિયા યુક્રેન યુદ્ધ તારું નખ્ખોદ જાય, સીંગતેલ અને સનફ્લાવર તેલના ભાવમાં સીધો 300-600નો વધારો, હજુ 50 તો વધશે જ

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ખાદ્યતેલ બજાર પર મોટી અસર પહોંચી છે. છેલ્લા 3 મહિનામાં ખાદ્યતેલના ભાવમાં 200થી લઈ 600 રૂપિયા સુધી ભાવવધારો જોવા મળ્યો છે. યુદ્ધની શરૂઆતથી આજ સુધી પામતેલના ભાવમાં પણ ભાવવધારો જરૂર જોવા મળ્યો છે. એની સીધી અસર ફરસાણ ઉદ્યોગ પર જોવા મળી છે. નમકીન ઉદ્યોગ પર આજે લગભગ 50% જેટલી અસર જોવા મળી રહી છે. યુદ્ધ બાદ સૌથી વધુ સનફ્લાવર તેલમાં રૂ.500થી 600નો અસહ્ય ભાવવધારો થયો છે. કપાસિયા તેલમાં 300થી 400 અને સીંગતેલમાં રૂ.400નો વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સીંગતેલમાં રૂપિયા 400નો ભાવવધારો થતાં મધ્યમવર્ગીય પરિવારની હાલત ‘ખાયે તો ખાયે કયા, જાયે તો જાયે કહાં’ જેવી કફોડી થઈ છે.

image source

એપ્રિલ મહિનામાં તમામ તેલના ભાવમાં ઘટાડો જરૂર જોવા મળ્યો હતો, પરંતુ આમ છતાં પણ આજે ખાદ્યતેલના ભાવ 2800 સુધી પહોંચી ગયા છે, જે અત્યારસુધી હાઈએસ્ટ ભાવ માનવામાં આવી રહ્યો છે. એને કારણે ખાદ્યતેલમાં વચ્ચે અછત જરૂર જોવા મળી હતી, પરંતુ ધીમે ધીમે અછત દૂર થઇ રહી છે. યુદ્ધ બાદ દરેક પ્રકારના તેલમાં 200થી 600 રૂપિયા સુધી ભાવવધારો જોવા મળ્યો છે. હાલના તબક્કે ખાદ્યતેલ એક્સપોર્ટ કરવામાં આવતું નથી, પરંતુ ઈમ્પોર્ટ કરવામાં આવી રહ્યું છે.

યુદ્ધના કારણે સનફ્લાવર તેલનું પૂરતા પ્રમાણમાં ઈમ્પોર્ટ થતું નથી. યુદ્ધ પછી લગભગ બે મહિના સુધી નહીંવત પ્રમાણમાં સનફ્લાવર તેલ ઈમ્પોર્ટ થતું હતું, એને કારણે આજે પણ સનફ્લાવર તેલનો ભાવ ઊંચો જોવા મળી રહ્યો છે. યુદ્ધ પછીના સમયમાં સનફ્લાવર તેલમાં 600 રૂપિયા જેટલો જંગી ભાવવધારો જોવા મળ્યો છે. મલેશિયાથી મોટા ભાગે પામોલીન તેલ આયાત કરવામાં આવે છે. પામોલીન કરતાં સીંગતેલના ભાવ ઓછા હોવાની ઘટના પ્રથમ વખત આ યુદ્ધના કારણે જોવા મળી હતી. આગામી સમયમાં હજુ પણ ખાદ્યતેલના ભાવમાં 50 રૂપિયા સુધી ભાવવધારો જોવા મળે એવી શક્યતા છે.

image source

મોટા ભાગે લોકો ખાદ્યતેલમાં રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરે છે, પરંતુ ભાવ સતત ઊંચા જાય છે. યુક્રેન-રશિયાની યુદ્ધની સ્થિતિમાં આયાતી તેલમાં ધરખમ વધારો થયો છે, જેને કારણે ઇન્ડસ્ટ્રિયલ વપરાશ નહીંવત પ્રમાણમાં થઇ રહ્યો છે અને ફરસાણ ઉદ્યોગ, કંદોઈ સમાજ પરેશાન થઈ ગયો છે, જેના પર મોટી અસર જોવા મળી છે. કેટલાક નમકીન ઉદ્યોગ તો બંધ થઇ ગયા છે અને કેટલાક ઉદ્યોગો પહેલાં કરતાં માત્ર 50% જ કામ કરી રહ્યા છે. ખાદ્યતેલનો વપરાશ પ્રમાણમાં યુદ્ધ પછી ઓછો થતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ખાદ્યતેલના ઊંચા ભાવને કારણે આજે મધ્યમવર્ગ મોટું 15 કિલોનું ટીન ખરીદવાના બદલે માત્ર 5 લિટરનું કેન લેવાનું પસંદ કરી રહ્યા છે.

મોંઘવારી અને ફૂગાવાને કાબૂમાં લેવા સરકારે ખાદ્યતેલોના ભાવો ઘટે એ માટે સ્ટોક લિમિટ, આયાતની છૂટ આપવાની જરૂર છે. છેલ્લે, સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ પર આયાત ડ્યૂટી રદ કરવા સહિતનાં અનેકવિધ પગલાં લીધા છતાં ભાવ ઘટ્યા હોવાનું સામે આવ્યું નથી. જ્યારે ચીનમાં ઓફ સીઝન છતાં સીંગતેલની નિકાસ થતાં સૌરાષ્ટ્ર સીંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.