પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો આરંભ!:કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત, દક્ષિણ ગુજરાતમાં આ તારીખથી વરસાદની આગાહી

રાજયભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે હવે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. ગુજરાતને હવે ટૂંક સમયમાં ગરમીમાંથી રાહત મળવાનું શરૃ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૫ મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ ૧૦ જૂનથી થાય તેવી સંભાવના છે. રાજ્યભરમાં હજુ આગામી 4-5 દિવસ સુધી ગરમીમાં રાહત મળશે અને તાપમાનનો પારો 2-3 ડિગ્રી સુધી ઘટવાનો અંદાજ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગરહવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં આ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે.

image source

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ અમદાવાદમાં હવે ગરમીનો પારો ૪૪ને પાર જવાની સંભાવના નહિવત્ છે. આજે ૪૨.૪ ડિગ્રી સાથે પાટણમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ગાંધીનગર, જુનાગઢ, વડોદરા, ભાવનગરમાં પારો ૪૧ ડિગ્રીથી વધારે નોંધાયો હતો.

ચોમાસુ સામાન્ય રહેશે

આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઇ રહ્યું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.

image source

હવામાન વિભાગ પ્રમાણે, ‘નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27 મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 % વરસાદ નોંધાયો હતો.