યુદ્ધમાં રશિયાને અત્યાર સુધીનું સૌથી મોટું નુકશાન, યુક્રેને નષ્ટ કર્યું શક્તિશાળી યુદ્ધટોપ

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 50 દિવસથી વધુ સમય થઈ ગયો છે. યુક્રેને આ 50 દિવસોમાં રશિયાને સખત ટક્કર આપી છે અને ઘણું નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ સમાચાર આવી રહ્યા છે કે 50 દિવસના યુદ્ધ પછી રશિયાને સૌથી મોટું નુકસાન થયું છે. યુક્રેને કાળા સમુદ્રમાં તૈનાત રશિયાના મિસાઈલ ક્રૂઝરને મિસાઈલ હુમલાથી નષ્ટ કરી દીધું છે. બ્લાસ્ટ બાદ ક્રૂઝરમાં આગ લાગી હતી અને તેને ઘણું નુકસાન થયું છે.

image source

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુક્રેનની સેનાએ મિસાઈલ વડે રશિયન યુદ્ધ જહાજને ટક્કર મારી હતી અને બ્લાસ્ટ બાદ તેમાં આગ લાગી ગઈ હતી. યુદ્ધ જહાજમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. સ્લાવા ક્લાસ મિસાઈલ ક્રુઝર 1979 માં લોન્ચ કરવામાં આવી હતી. તેની પાસે 16 એન્ટિ-શિપ મિસાઇલો છે અને ઘણી એર ડિફેન્સ મિસાઇલો, ટોર્પિડો અને બંદૂકો તૈનાત છે. આ રશિયન યુદ્ધ જહાજ બ્લેક સી ફ્લીટમાં સામેલ છે અને ફેબ્રુઆરીથી યુક્રેન સામેના યુદ્ધમાં પણ ભાગ લઈ રહ્યું છે.

યુક્રેને ખોટો ફોટો બતાવ્યો

ઉલ્લેખનીય છે કે, યુક્રેને તેના દાવા માટે કોઈ પુરાવા દર્શાવ્યા નથી. યુક્રેનિયન ટેલિગ્રામ ચેનલે પહેલા તેના વિશે એક પોસ્ટ કરી હતી, જોકે પછીથી તેને કાઢી નાખી હતી. ચેનલ દ્વારા શેર કરવામાં આવેલ ફોટો ઈરાનના જહાજનો છે જેમાં ગયા વર્ષે આગ લાગી હતી.