ઉનાળાની શરૂઆત સાથે જ અહીં પાણીને લઇ હાહાકાર, જીવના જોખમે કુવામાં ઉતરી પાણી લાવવા મજબુર મહિલાઓ

ઉનાળાની શરૂઆત સાથે જ મહારાષ્ટ્રમાં પાણીને લઈને હાહાકાર મચી ગયો છે. રાજ્યના અનેક જિલ્લાના ગામડાઓમાં લોકોને પીવાનું પાણી યોગ્ય રીતે મળતું નથી. નાશિકના ઘણા ગામોમાંથી ડરામણી તસવીરો સામે આવી રહી છે. કુવામાંથી પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓ પોતાનો જીવ જોખમમાં મુકી રહી છે. જોકે, સરકારી અધિકારીઓનો દાવો છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નાસિકમાં સ્થિતિ સારી છે.

નાશિકના રોહિલે ગામમાં કૂવામાંથી પાણી ભરવાનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ જોઈને તમને નવાઈ લાગશે.કૂવા પાસે મહિલાઓ અને બાળકોની ભીડ છે. પાણી ભરવા માટે કુવા પાસે મોટી સંખ્યામાં વાસણો રાખવામાં આવ્યા છે. કૂવામાં પાણી છે, પણ તેને ભરવું સરળ નથી. વાસ્તવમાં આકરી ગરમીને કારણે પાણીનું સ્તર ઘણું નીચે ગયું છે. જેથી બે મહિલાઓ પાણી લેવા માટે સીડીના સહારે કૂવામાં ઉતરી હતી. લોકો ઉપરથી પ્લાસ્ટિકના બોક્સ દોરડાની મદદથી તેમના સુધી પહોંચી રહ્યા છે. ત્યારપછી પાણીમાં સીડી પર ઉભેલી આ મહિલાઓ પાણી ભરીને ઉપર લાવી રહી છે. આ અત્યંત જોખમી છે. જો સહેજ પણ ભૂલ થાય તો આ બંને મહિલાઓ પાણીમાં પડી શકે છે. પરંતુ તેમની પોતાની મજબૂરીઓ છે.

કુવામાંથી પાણી લાવનારી મહિલાઓમાંથી એક સોનાલીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું, ‘મહિલાઓ કૂવામાંથી પાણી લેવા માટે 2 કિમી દૂરથી આવે છે. અમારી પાસે પાણીની અછત છે. કેટલીક મહિલાઓ પાણી લેવા કુવામાં અંદર ગઈ હતી. 10માં ધોરણની વિદ્યાર્થિની પ્રિયાએ કહ્યું કે તેને તેના પરિવાર માટે પાણી લાવવા માટે તેનો વર્ગ છોડવો પડ્યો છે. તેણે કહ્યું, ‘અમારા ગામમાં પાણી નથી. તેથી અમે પાણી લેવા દૂરના ગામમાં જઈએ છીએ. કેટલીકવાર મારે આ માટે વર્ગો છોડવા પડે છે. પાણીની આ અછતને લીધે, હું એક વાર પરીક્ષામાં મોડી પડી કારણ કે હું બીજા ગામમાં કૂવામાંથી પાણી લેવા ગઈ હતી.