505 દિવસ સુધી કોરોના સામે લડ્યો દર્દી, શરીરમાં નવા વેરિઅન્ટ પણ બન્યા, આખરે થયું મોત

કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે બ્રિટનમાંથી એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, અહીં એક દર્દી કુલ 505 દિવસ સુધી કોરોનાથી પીડાતો રહ્યો અને પછી તેનું મોત થઈ ગયું. આટલા લાંબા સમય સુધી વાયરસની પકડમાં રહેવાનું કારણ એ હતું કે તેની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હતી. યુકેના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનો સૌથી લાંબો સમય ચાલતો કોરોના કેસ છે. આ પહેલા, સત્તાવાર રીતે કોરોનાનો સૌથી લાંબો કેસ 335 દિવસ ચાલ્યો હતો. આ કિસ્સામાં પણ દર્દીની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હતી.

image source

ડોક્ટર અને તેમની ટીમે કોરોનાના લાંબા કેસનું કારણ જાણવા માટે એક સંશોધન કર્યું છે. સંશોધનમાં દર્દીઓના શરીરમાં વાયરસના મ્યુટેશન અને નવા કોરોના વેરિઅન્ટની રચનાની તપાસ કરવામાં આવી હતી.

સંશોધનમાં એવા 9 દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો જેઓ લાંબા સમય સુધી કોરોના સાથે લડ્યા હતા. તેમાં 505 દિવસ લડી રહેલા એક માણસનો પણ સમાવેશ થાય છે. આ તમામનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ ઓછામાં ઓછા 8 અઠવાડિયા સુધી પોઝિટિવ આવ્યો હતો. HIV, કેન્સર, અંગ પ્રત્યારોપણ અને અન્ય રોગોને કારણે તમામ લોકોની રોગપ્રતિકારક શક્તિ પહેલેથી જ નબળી હતી.

પરિણામો અનુસાર, સંશોધનમાં સામેલ દર્દીઓમાં સરેરાશ 73 દિવસ કોરોના સંક્રમણ રહ્યો. ઉપરાંત, એવા બે લોકો હતા જેમને ચેપ એક વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો હતો.
ટીમે સંશોધન દરમિયાન દર્દીઓમાં વાયરસના મ્યુટેશન પર નજર રાખી. આના પરથી સ્પષ્ટ થઈ ગયું કે કોઈ દર્દી કોરોનામાંથી સાજો થયો નથી અને ફરીથી તેનો શિકાર બન્યો છે. ઉપરાંત, જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ શરીરની અંદર વાયરસનું પરિવર્તન થતું ગયું.

image source

જો કે આમાંથી કોઈ પણ મ્યુટેશન ખૂબ જ ખતરનાક રૂપમાં બહાર આવ્યું નથી, પરંતુ વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ જ પરિવર્તનો કોરોનાના વધુ ફેલાવાના પ્રકારોમાં પણ જોવા મળ્યા છે. ડોક્ટર કહે છે કે દર્દીને 2020માં કોરોના ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેણે 505 દિવસ સુધી તેની સાથે સંઘર્ષ કર્યો અને 2021માં તેનું મૃત્યુ થયું. સારવાર દરમિયાન તેમને રેમડેસિવીર નામની એન્ટિવાયરલ દવા આપવામાં આવી રહી હતી. દર્દી ઘણા રોગોથી પીડિત હતો, જેના કારણે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હતી. હાલમાં, વૈજ્ઞાનિકોએ તેમના મૃત્યુનું સ્પષ્ટ કારણ આપવાનો ઇનકાર કર્યો છે.

તે જ સમયે, સંશોધનમાં સામેલ 9 દર્દીઓમાંથી, 2 લોકો કોઈપણ સારવાર વિના સાજા થયા, 2 સારવાર પછી સાજા થયા અને 1 દર્દી હજી પણ કોરોનાથી પીડિત છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, વાયરસ સામે તેની છેલ્લી તપાસ કર્યાને 412 દિવસ થયા છે.