અમદાવાદમાં નરોડામાં બ્રિજના નામકરણ મુદ્દે મહિલાઓએ ઘેરી લેતા MLA ઊભી પૂંછડીએ ભાગ્યા, ખરેખર જોવા જેવી થઈ

શહેરના નરોડા રેલવે ઓવરબ્રિજના નામકરણને લઇને શરૂ થયેલો વિવાદ શમવાનું નામ લેતો નથી. બ્રિજનું નામ સંત રોહીદાસ રાખવાની માગણી સાથે દલિત સમાજની મહિલાઓએ સ્થાનિક ભાજપના ધારાસભ્યનો ઘેરાવ કરતા બોલાચાલી થઇ હતી, જેમાં રજૂઆત કરનારી મહિલાને ધારાસભ્યએ રીતસરની ધમકી આપતાં કહેલું કે ‘પેલા બેનને જેમ માર્યા હતા, એવી તારી દશા કરીશ’. આખરે મહિલાઓએ ધારાસભ્યનો ઘેરાવ કરીને બ્રિજના નામકરણ મુદ્દે સતત સવાલો કરતા ધારાસભ્ય જવાબ આપ્યા વિના ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા.

image source

જ્યારે રજુઆત કરનારી 20 જેટલી મહિલાઓને પોલીસ અટકાયત કરીને લઇ ગઇ હતી. પરંતુ મહિલાઓ સાથે તોછડું વર્તન કરવામાં માહેર MLA સામે કોઇ પગલાં ભરાશે ખરા ? આમ વિવાદો સાથે ઘરોબો ધરાવતા ધારાસભ્ય થાવાણી ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. શહેરના નરોડા રેલવે ઓવરબ્રિજનું નામ સંત રોહીદાસ રાખવા છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે મંગળવારે નરોડાની એક સરકારી હોસ્પિટલની મુલાકાતે આવેલા સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણીનો દલિત સમાજની મહિલાઓએ ઘેરાવ કર્યો હતો.

આ અંગે ઘેરાવ કરનારા દેવલબેન રાઠોડે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, બ્રિજનું નામ સંત રોહીદાસ રાખવામાં શું વાંધો છે ? અને જે સિંધી સમાજના ગુરુજીનું નામ બ્રિજને અપાયું તે ગુરુજીનો જન્મ ક્યાં થયો છે ? આ બે સવાલ પૂછતાં જ ધારાસભ્ય થાવાણી ઉશ્કેરાઇને મને ધમકી આપી હતી કે,’પેલા બેનને જેમ માર્યા હતા એવી જ તારી દશા કરીશ’. એટલે બે ઘડી તો હું હેબતાઇ ગઇ. ધારાસભ્ય થઇને ધમકી આપી તેનું મને દુઃખ છે. બાદમાં મે તેમને પ્રજા તરીકે સવાલ કરવાનો અધિકાર હોવાનો મુદ્દો મૂક્યો હતો, પરંતુ તેઓ કંઇ સાંભળવા જ માંગતા ન હતા.

image source

ત્યારે બોલાચાલી થઇ અને તેઓ ત્યાંથી ભાગી ગયા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અમે ધારાસભ્યને રજુઆત કરવા ગયા છતાંય પોલીસ અમને પકડીને લઇ ગઇ. છેક સાંજે અમને છોડયા હતા. અત્રે નોંધનીય છે કે, દલિત સમાજ દ્વારા આ બ્રિજનું નામ સંત રોહીદાસ રાખવાની માંગણી સાથે છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆતો કરાઇ છે, જેમાં ભાજપના જ સાસંદની રજૂઆત છતાંય તેમનું કંઇ ઉપજ્યું નહીં. આખરે સરદારનગરના મહિલા કોર્પોરેટરની દરખાસ્તને આધારે બ્રિજનું નામ સિંધી સમાજના સંતના નામે રાખવામાં આવતા દલિત સમાજમાં રોષ છે. જોકે આ બ્રિજની આસપાસ પણ મોટાભાગની વસ્તી દલિતની હોવાથી સ્થાનિક રહીશોએ બ્રિજનું નામ સંત રોહીદાસ રાખવા માગ કરી છે. જો કે સરદારનગર વોર્ડના કોર્પોરેટરે બ્રિજનાં નામકરણ માટે રાખેલી દરખાસ્તને મંજૂર કરાવવા સ્થાનિક ધારાસભ્ય થાવાણીએ તેનો રાજકીય બલ વાપર્યો હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યા છે. આ મામલે ધારાસભ્ય થાવાણીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે ફોન ઉપાડવાની પણ તસદી લીધી ન હતી.