ગુજરાતના વાતાવરણમાં આવ્યો જોરદાર પલટો, ઠેર ઠેર વરસાદની આગાહી, તો વળી આ જિલ્લામાં તો મેઘો ખાબક્યો

રાજ્યમાં થોડા દિવસથી લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે રાજસ્થાન ઉપર સર્જાયેલા લો પ્રેશરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. બે દિવસ દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી કેટલાક દિવસ પવનની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજ રહેશે. મોટાભાગે દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી.

image source

ગુજરાત સહિત દેશમાં ઘણાં સ્થળે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન વરસાદના ભાગરૂપે રાજકોટ, ચોટીલા, દમણ સહિત વિસ્તારોથી પ્રારંભ થયો છે. આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ સહિત વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ટ્રોફ અર્થાત્ હવાના નીચા દબાણનો વિસ્તાર સર્જાયો છે જેની અસર રૂપે ગુજરાતમાં આજે હવામાનમાં પલટો આવ્યો છે.

સુરતના હવામાનની વાત કરીએ તો, આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ અને આંશિકઅંશે વાદળછાયુ રહેવાની સાથે જ તાપમાન 35 થી 36 ડિગ્રી વચ્ચે નોંધાવવાની આગાહી કરવામા આવી છે. આ આગાહીના પગલે ડાંગર પકવતા ખેડુતોને રાહત થઇ છે. આ સાથે હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરતનું અધિકતમ તાપમાન 34.2 ડિગ્રી, લધુતમ તાપમાન 28.4 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા, હવાનું દબાણ 1004.9 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 13 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

image source

મંગળવારે અમદાવાદમાં દિવસ દરમિયાન 41 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 29.3 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ભેજનું પ્રમાણ 65 ટકા થઇ જતા બફારાના પ્રમાણમાં વધારો થયો હતો. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. મોડી સાંજે અમદાવાદમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં આગામી પાંચ દિવસ 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે.