અમદાવાદમાં ST બસમાં મહિલા ફૂટબોલની જેમ ઊછળીને સીટ પર પટકાઈ, કમરમાં 3-3 સ્ક્રૂ ફિટ કર્યા ત્યારે મેળ પડ્યો

અમદાવાદમાં બેફામ ડ્રાઇવરે બમ્પ કૂદાવતાં મહિલા બસની અંદર ઊછળીને નીચે પટકાઈ હતી, જેમાં કમરના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેના શરીરના નીચેના ભાગનું હલચચલન બંધ થઈ ગયું હતું. મહિલાને મણકામાં ફ્રેકચર થયું છે અને ત્રણ સ્ક્રૂ ફિટ કરવા પડ્યા છે. ઘટનાથી મહિલાનો પરિવાર હજી શોકમાં છે. અકસ્માત પામનારી મહિલાનું નામ શીતલબેન સાગરા છે, જે વિખ્યાત કલાકાર પીરાજી સાગરાનાં પૌત્રી હોવાનું જાણવા મળ્યું છે.

શીતલબેને જણાવ્યું હતું, ‘હું અને મારો ભાઈ ગાંધીનગર સચિવાલયમાં છેલ્લાં 10 વર્ષથી અકાઉન્ટન્ટની નોકરી કરીએ છીએ. ગઈ 19મી મેના રોજ હું અને મારો ભાઈ ગાંધીનગરથી અમદાવાદ એસટી બસમાં આવતાં હતાં. આ દરમિયાન પાલડી NID ત્રણ રસ્તા પાસે બસ પહોંચી, એ જગ્યાએ બહુ જ ઊંચો બમ્પ હતો. આમ છતાં ડ્રાઇવરે સ્પીડમાં બસ હંકારી અને આ સાથે જ હું સામાન મૂકવાની જાળી સાથે જોરથી અથડાઈ હતી. દસ સેકન્ડ માટે હું બેભાન જ થઈ ગઈ હતી અને એ જ અવસ્થામાં નીચે સીટ ઉપર પટકાઈ હતી. નીચે પગના તળિયા જોરદારા અથડાયા હતા. આ જ કારણે શરીરનો નીચેનો ભાગ સુન્ન થઈ ગયો અને હલનચલન બંધ થઇ ગયું. એ વખતે મારો ભાઈ મારી સાથે જ હતો, તેણે મને હેલ્પ કરી. લોકોએ મારા મોં પર પાણી છાંટ્યું. બાદમાં બસ સાઇડમાં કરાવી હતી. પછી ભાઈએ પપ્પાને ફોન કર્યો. પછી પપ્પા લેવા આવ્યા. મને મારો ભાઈ તથા પપ્પા ઊંચકીને બસમાંથી નીચે ઉતારીને રિક્ષામાં બેસાડી હતી. ત્યાંથી ઘરે ગઈ અને ઘરેથી 108 દ્વારા SVP હોસ્પિટલ પહોંચ્યાં હતાં. પછી HCG હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. હવે જાતે બેસાતું કે ઊભું પણ રહેવાતું નથી.’

image source

શીતલબેનના ભાઈ મહિપાલભાઈએ કહ્યું હતું, ‘આ સમગ્ર ઘટના 19મી મેની સાંજે 7.30થી 7.45 વચ્ચે બની હતી. બનાવના દિવસે પાલડીથી NID તરફ આવવાના રસ્તા પર હતા, જ્યાં રસ્તા પર બમ્પ હતો, એ ડ્રાઇવરને દેખાયો નહીં. બસ પણ સ્પીડમાં હતી. અમે બંને છેલ્લેથી આગળની સામસામેની સીટમાં બેઠાં હતાં. બસ ઊછળતાં બહેન ઉપરથી નીચે પટકાઈને બેભાન થઈ ગયાં હતાં. બહેનને SVP લઈ જવામાં આવ્યાં હતાં. અહીં સિટી સ્કેન અને MRI કરાવતાં મણકામાં ફ્રેકચર હોવાનો ખ્યાલ આવ્યો. એક દિવસ ત્યાં જ ટ્રીટમેન્ટ કરાવી. પછી HCG હોસ્પિટલમાં આવ્યા. રવિવારે બહેનના મણકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. કમરના ભાગે ત્રણ સ્ક્રૂ ફિટ કરવા પડ્યા છે.’

મહિપાલભાઈએ કહ્યું, ‘અમે છેલ્લાં દસ વર્ષથી સચિવાલયમાં જોબ કરીએ છીએ અને રેગ્યુલર એસટી બસોમાં જ અવરજવર કરીએ છીએ, પરંતુ એ દિવસે જ આવો બનાવ બન્યો. એ રૂટ પર કંડક્ટર ફિક્સ છે, પરંતુ ડ્રાઈવર રોજેરોજ બદલાતા હોય છે. એ દિવસે બહેને એવું કહ્યું હતું કે સવારે બમ્પ નહોતો અને સાંજે બની ગયો હતો.’