જાણો શા માટે “કડકનાથ” મરઘો ઊંચા લોકોની ઊંચી પસંદ છે, આપણા PM મોદી પણ તેના વખાણ કરે છે

સામાન્ય મરઘા કરતાં કદ કાઠીમાં એકદમ તંદુરસ્ત તેમજ આરોગ્ય માટે ફાયદાકારક એવા “કડકનાથ” મરઘાનું ફાર્મ એકમાત્ર ગુજરાતના પાટનગર ગાંધીનગરના બાસણ ગામે આવેલું છે, જ્યાં 500 કરતાં પણ વધુ કડકનાથ મરઘા રખાયા છે. આ મરઘાના ઉછેર માટે તેના માલિકે રૂપિયા 10 લાખના ખર્ચે આ ફાર્મ હાઉસ બનાવ્યું છે. સામાન્ય રીતે મધ્યપ્રદેશના ઝાબુઆના જંગલમાં જોવા મળતા આ કડકનાથ મુરઘાના ગુજરાતના આઈએએસ, આઇપીએસ તેમજ બિલ્ડરો પણ ખાવાના શોખીન છે. ખુદ પીએમ નરેન્દ્ર મોદી પણ આ મરઘાના વખાણ કરી ચૂક્યા છે. આ મરઘીનું માંસ અને ઈંડાં સામાન્ય મરઘા કરતાં ઘણો મોંઘો મળે છે. એમાં એનાં ઈંડાં રૂ. 30થી 40માં મળે છે, તો માંસ 900 રૂપિયાથી 1500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

image source

વિશ્વમાં બે પ્રકારના લોકો છે. એક, જે માત્ર શાકાહારી ખોરાક લે છે અને બીજા, જે માંસાહારી ખોરાક લેવો પસંદ કરે છે. માંસાહારી લોકો ચિકન, મટન જેવી વસ્તુઓ ખાય છે. સામાન્ય રીતે માંસાહારી લોકોને આપણે ઈંડાં, ચિકન, મટન, ફિશ વગેરે ખાતા જોયા હશે. આ બધા વચ્ચે કડકનાથ મુરઘા લોકોમાં ખૂબ પ્રખ્યાત બની છે. ત્યારે ગુજરાતમાં પણ આ મરઘાનો ઉછેર થઇ રહ્યો છે, પરંતુ તમે આ કડકનાથ મરઘા વિશે કેટલું જાણો છો? ચાલો, અમે તમને એના વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

ગુજરાતમાં એકમાત્ર ગાંધીનગર પાસે આવેલા બાસણ ગામ ખાતે કડકનાથ મરઘાનું ફાર્મ આવેલું છે, જે કરણસિંહ વાઘેલા ચલાવી રહ્યા છે. મધ્યપ્રદેશના ઝાબુઆના જંગલમાં સામાન્ય રીતે આ મરઘા જોવા મળે છે. આ એક જંગલી પ્રજાતિ છે, જે કડકનાથ મુરઘા તરીકે ઓળખાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એની માગ ખૂબ ઝડપથી વધી છે. ગુજરાતના મોટા IPS અને IAS અને બિલ્ડરો સ્પેશિયલ બાસણથી આ મરઘા અથવા એનાં ઈંડાં મગાવે છે.

image source

ફાર્મના માલિક કરણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જંગલી પ્રજાતિના કડકનાથ મરઘા ફાર્મ હાઉસ બનાવવા માટે અંદાજિત રૂ. 10 લાખનો ખર્ચ થયો છે. આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ફાર્મ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. એમાં મરઘા માટે અધ્યતન રીતે પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં પાણી ખૂટી જાય તો ઓટોમેટિક રીતે પાણી શરૂ થઈ જાય છે. ઉપરાંત મરઘાના ખોરાકનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. કડકનાથ ખોરાકમાં મકાઈ, બાજરો, જુવાર અને સોયાબિન મિક્સ ફૂડ ખાય છે, જેના માટે ફાર્મમાં રજકો (ઘાસ) ઉગાડવામાં આવ્યું છે.

દેશી ઈંડાંની કિંમત કરતાં આ કડકનાથ મરઘીનાં ઈંડાંના ભાવમાં ખૂબ ફરક હોય છે. દેશી ઈંડાં 8-10 રૂપિયાની આસપાસ મળે છે. જ્યારે કડકનાથ મરઘાનાં ઈંડાં રૂ. 30થી 40ની આસપાસ મળે છે, પણ કોરોના કાળમાં આજ ઈંડાં 1 નંગના 100 રૂપિયાના ભાવે વેચાયા હતા. કોરોના કાળમાં લોકો એડવાન્સ પેમેન્ટ ઓનલાઇન કરીને કડકનાથનાં ઈંડાં લઈ જતા હતા. શિયાળામાં એની માગમાં નોંધપાત્ર વધારો થાય છે. કડકનાથ સામાન્ય દિવસે પણ મોંઘી જ મળે છે, પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન માગમાં વધારો થવાને કારણે, એક મરઘો 800થી 1 હજાર રૂપિયા વચ્ચે વેચાયો હતો.