ક્યાં જઈને અટકશે આ બધું, અગ્નિપથ હિંસામાં 1000 કરોડની રેલવે સંપત્તિનો નાશ, 1.5 લાખ મુસાફર ફસાયા. રૂ. 70 કરોડ રિફંડ કરવા પડ્યા

છેલ્લા ચાર દિવસથી અગ્નિપથ યોજનાને લઈને દેશના ઘણા ભાગોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આમાં ટ્રેનોને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી હતી, જેને કારણે રેલવેની મિલકત અને મુસાફરોના રિફંડ સહિત એક હજાર કરોડથી વધુનું નુકસાન થવાની શક્યતા છે. એટલું જ નહીં, 12 લાખ લોકોને યાત્રા કેન્સલ કરવી પડી હતી. 922 મેલ એક્સપ્રેસ ટ્રેનો રદ થઈ છે. 120 મેલ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે.

image source

દોઢ લાખ મુસાફરોને અધવચ્ચે જ ટ્રેન છોડવી પડી હતી. 5 લાખથી વધુ PNR રદ કરવામાં આવ્યા હતા. મુસાફરોને લગભગ 70 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા હતા. ઈસ્ટ સેન્ટ્રલ રેલવે ઝોનમાં 241 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. આંદોલનકારીઓ દ્વારા આડેધડ રીતે જે જાહેર સંપત્તિને નિશાન બનાવવામાં આવી રહી છે, એમાં કરદાતાઓની કરોડોની મહેનતની કમાણી છે.

ચાર દિવસમાં દેશભરમાં 922 મેલ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. જો એક PNR પર 3 મુસાફરને ગણવામાં આવે તો કુલ 5 લાખથી વધુ PNR રદ કરવામાં આવ્યા છે, દરેક ટ્રેનમાં સરેરાશ 1200થી 1500 મુસાફરો હોય છે, જેને કારણે લગભગ 12 લાખ લોકોની મુસાફરી રદ કરવામાં આવી હતી.

એક ઉદાહરણ આપતાં રેલવે મંત્રાલયે કહ્યું હતું કે જો એક મુસાફરનું ભાડું ઓછામાં ઓછું 600 રૂપિયા માનવામાં આવે તો કુલ 70 કરોડ રૂપિયાનું રિફંડ કરાયું છે. જો તમે આમાં AC 3, સેકન્ડ AC અને ફર્સ્ટ ACનું ભાડું સામેલ કરો છો તો રિફંડ 100 કરોડ રૂપિયા થશે. 827 પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી હતી. 120 મેલ એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી, જેના કારણે લગભગ 1.5 લાખ મુસાફરોને ટ્રેન અધવચ્ચે છોડીને મુસાફરી રદ કરવાની ફરજ પડી હતી.

image source

મેલ એક્સપ્રેસમાં 24 કોચ હોય છે. આ એન્જિનની કિંમત 12 કરોડ રૂપિયા છે. એસી કોચ 2.5 કરોડ, સ્લીપર જનરલ કોચ 2 કરોડનો હોય છે. એક ટ્રેનની કિંમત 30 કરોડ થાય છે. વિરોધમાં અલગ-અલગ જગ્યાએ 21 ટ્રેન સળગાવી દેવામાં આવી હતી.

અગ્નિપથ યોજનાનો વિરોધ 19 રાજ્યમાં પહોંચી ગયો છે. આ દરમિયાન યુપી-બિહારમાં જાહેર સંપત્તિને સૌથી વધુ નુકસાન થયું છે. જો આપણે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના 2020ના અહેવાલ પર નજર કરીએ તો, આવા કેસોમાં 28%નો ઘટાડો થયો હતો, પરંતુ યુપી સહિત 6 રાજ્યમાં કેસ વધ્યા હતા. કેસની સંખ્યામાં ઉત્તરપ્રદેશ (2217) ટોચ પર છે. બીજા નંબર પર તામિલનાડુ (668) છે.