PM મોદીએ અપીલ કરી અને લોકોએ તરત ઝીલી લીધી, કેદારનાથમાં લોકોએ ચલાવ્યું અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર ધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. હવે આ અપીલના બીજા જ દિવસે સોમવારે તેની અસર જોવા મળી હતી. અપીલ બાદ લોકોએ કેદારનાથમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. જે બાદ હવે પીએમ મોદીએ સરકારની સાથે સ્વચ્છતામાં ભાગ લેવા માટે શ્રદ્ધાળુઓની ભાવનાની પ્રશંસા કરી છે.

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 89માં મન કી બાત કાર્યક્રમમાં ચાર ધામની મુલાકાતે આવેલા શ્રદ્ધાળુઓને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. જેનાથી પ્રોત્સાહિત થઈને આજે સરકારની સાથે સ્વચ્છ ભારત અભિયાનમાં તમામ શ્રદ્ધાળુઓ પોતાનો સહયોગ આપી રહ્યા છે.

તેણે આગળના ટ્વિટમાં લખ્યું, “આપણા ધાર્મિક ગ્રંથો કહે છે કે ભગવાન ફક્ત સ્વચ્છ અને શાંત જગ્યાએ જ રહે છે. તેથી, દેવભૂમિના રહેવાસી તરીકે, તેની દિવ્યતા અને આધ્યાત્મિક ગૌરવ જાળવી રાખવાની પણ આપણી ફરજ છે.” સીએમ ધામીએ યાત્રાળુઓ દ્વારા કરવામાં આવી રહેલી સફાઈનો વીડિયો પણ શેર કર્યો હતો. ભક્તોની આ ભાવના તીર્થસ્થળોની સ્વચ્છતા માટે સૌને પ્રેરણા આપશે.

રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે કહ્યું, “મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે, જેના કારણે ઘણો કચરો ફેલાયો છે. ઘણી સંસ્થાઓ અને ભક્તોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરીને કચરો સાફ કર્યો.”

જણાવી દઈએ કે ભૂતકાળમાં કેદારનાથ ધામના માર્ગ પર ગંદકીની તસવીરો સામે આવી હતી. જે બાદ સ્થાનિક પ્રશાસન અને સરકારની આકરી ટીકા થઈ હતી. તે જ સમયે, આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.