રસોડાનું બજેટ બગડ્યું, LPG બાદ ટામેટાએ મોંઘવારીનો રંગ પકડ્યો, એક કિલોના ભાવ સાંભળી હાજા ગગડી જશે

LPG ગેસ સિલિન્ડરના ભાવ વધારા સાથે સાતમા આસમાને પહોંચેલી મોંઘવારીએ લોકોના રસોડાનું બજેટ બગાડી નાખ્યું છે ત્યારે હવે લીલા શાકભાજીના ભાવ પણ લોકોની થાળીનો સ્વાદ બગાડી રહ્યા છે. દેશભરમાં લીલા શાકભાજીના ભાવ ફરી વધવા લાગ્યા છે. ટામેટાંની વાત હોય કે લીલાં શાકભાજીની દરેકનો ભાવ ખુબ વધવા લાગ્યો છે. ઘણા શહેરોમાં ટામેટાના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

image source

દેશના ઘણા શહેરોમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. લીલા શાકભાજીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ઘણા શહેરોમાં ટામેટાંની છૂટક કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોથી 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. દિલ્હી-એનસીઆરમાં ટામેટાંની કિંમત 80 રૂપિયા છે, જ્યારે ચેન્નાઈમાં ટામેટાંની કિંમત 90થી 95 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

ટામેટાંના ભાવની સરખામણી કરીએ તો તેની કિંમતમાં 400 ટકા વધુ વધારો જોવા મળે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ભાવમાં વધારો ટામેટાંના પુરવઠામાં વિક્ષેપને કારણે થયો છે. પુરવઠામાં અછત ઉપરાંત હવામાનની અસર તેનું મુખ્ય કારણ છે.

image source

માત્ર ટામેટાં જ નહીં પરંતુ લીલા શાકભાજીના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. ત્યારે હવામાનની સંભાવનાને જોતા ખેડૂતોએ ડરના માર્યા નવા પાકનું વાવેતર કર્યું નથી. ખાસ કરીને મહારાષ્ટ્રના કોલ્હાપુર અને આજુબાજુના જિલ્લાઓમાં ચોમાસા પહેલાના વરસાદે શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તમને જણાવી દઈએ કે શાકભાજીના ભાવમાં અચાનક વધારો થવાનું મુખ્ય કારણ વરસાદને કારણે પાકને થયેલું નુકસાન છે. ગયા મહિના સુધી ટામેટાની કિંમત 30-40 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં વેચાતી હતી.