સાહેબ મારો પતિ દારૂ પીને મારે છે, ગાળો પણ ભાંડે છે….વડોદરામાં દારૂડિયાની પત્ની રોજ પોલીસને કરે છે ફોન

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, આમ છતાં પણ દારૂનું દૂષણ એટલી હદે વધી રહ્યું છે કે અનેક ઘરો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. એમાં પણ દારૂડિયો પતિ હોય તો સ્ત્રીની જિંદગી બરબાદ થઈ જાય છે. હવે 21 સદીની નારીઓ દારૂડિયા પતિનો ત્રાસ સહન કરવાને બદલે તેને પોલીસમાં પકડાવી દેવા માટે મેદાનમાં ઊતરી રહી છે.

image source

સંસ્કારી નગરી વડોદરામાં આવા ઘણાબધા કેસો સામે આવ્યા છે. રોજ એક મહિલા પોલીસમાં ફોન કરે છે… ‘સાહેબ, મારો પતિ દારૂ પીને મારે છે, ગાળો ભાંડે છે… મને બચાવો!’ વડોદરા શહેરના સાયબર ક્રાઇમ, મહિલા પોલીસ સ્ટેશન, ACB પોલીસ સ્ટેશન, DCB પોલીસ સ્ટેશન, રેલવે પોલીસ સહિત વિસ્તાર પ્રમાણે 27 પોલીસ સ્ટેશન આવેલાં છે. આ તમામ પોલીસ સ્ટેશનોમાં એપ્રિલ મહિનામાં નોંધાયેલી તમામ FIRની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે એપ્રિલ-2022માં 30 મહિલાએ તેમના દારૂડિયા પતિને પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પકડાવી દીધા હતા.

આમ દરરોજ સરેરાશ એક પત્ની દારૂડિયા પતિના ત્રાસથી કંટાળીને પોલીસમાં ફોન કરવા મજબૂર બની રહી છે અને તેમને પોલીસને હવાલે કરી રહી છે. એના પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે દારૂનું દૂષણ કેટલી હદે પરિવારોને બરબાદ કરી રહ્યું છે.

વડોદરા શહેરમાં દારૂડિયા પતિઓને પત્નીઓએ પકડાવી દીધાના કેસ કોઇ એક વિસ્તાર પૂરતા સીમિત નથી. શહેરના હરણી, સમા, માંજલપુર સહિત ગોરવા અને લક્ષ્મીપુરામાં પણ આ પ્રકારના કેસો નોંધાય છે, એટલે કે આ સમસ્યા સમગ્ર શહેરમાં છે.

image source

શહેરમાં નોંધાયેલી દારૂડિયા પતિઓ સામેની ફરિયાદમાં મોટા ભાગે તમામ મહિલાઓએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જણાવ્યું છે કે મારો પતિ દારૂ પીને મને માર મારે છે અથવા તો મારી સાથે ઝઘડો કરે છે. આમ દારૂનું દૂષણ વધવાને કારણે મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ પણ વધી ગયા છે. દારૂ પીને ધમાલ કરતા પતિઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 66 (1) (b), 85 (1) હેઠળ ગુના દાખલ થાય છે.

વડોદરા શહેરમાં એપ્રિલ-2022માં કુલ 404 લોકોને પોલીસે દારૂના નશામાં ઝડપી લીધા હતા. આમ, શહેરમાં દરરોજ સરેરાશ 13 જેટલા લોકો દારૂ પીધેલા શખસો ઝડપાય છે.