ચોટીલા તાલુકાનાં આટલા ગામમાં પાણીની એટલી ગંભીર સમસ્યા છે કે 300થી વધુ માલધારી પરિવારો ઘર છોડીને જતા રહ્યાં

ઉનાળાની શરૃઆત સાથે પાણીનો ઉપયોગ વધી જતો હોય છે, આકરા તાપમાં તરસ છીપાવવા પાણી મળી જાયતો અમૃત જેવુ લાગતુ હોય છે પરંતુ ચોટીલા તાલુકામાં ઉનાળાની શરૃઆત સાથે શરૃ થયેલી પાણીની સમસ્યા હવે બળવતર બની હોવાનું જાણવા મળેલ છે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને એક-એક બેડા માટે ખરા તડકામાં દુરદુરનાં ખેતરોમાં રઝળપાટ કરવો પડતો હોવાનું જાણવા મળેલ છે. પાણીની સમસ્યા સર્જાતાં પાંચથી વધુ ગામોના 300થી વધુ પરિવારો એક હજારથી વધુ પશુઓ સાથે ગામ છોડી સામૂહિક હિજરત કરવા મજબૂર બન્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ચોટીલા તાલુકામાં પાણીની સમસ્યા વિકટ બની છે તાલુકાનાં નાવિયાણી, ઝુંપઢડા, મોરસલ, રાજાવાડ, રૃપાવટી સહીતના ગામોમાં પાણીની વિકટ પરિસ્થિતિ હોવાનું જાણવા મળેલ છે. સૌની યોજના હેઠળ નંખાયેલ પાઈપલાઈન મારફતે પુરતુ પાણી મળતુ ન હોવાથી મહિલાઓને બેડા લઈ પાણી શોધવા નીકળવુ પડે છે. ખાનગી વ્યકિતઓ દ્વારા ટેન્કરમાં પાણી કયાંથી લાવવામાં આવે તો ટેન્કર ઉપર પાણી પાણી માટે પડાપડી અને બોલાચાલીના દ્રશ્યો સર્જાય છે. સૌની યોજના શોભાના ગાંઠીયા જેવી સાબિત થઈ રહી હોવાનું ગ્રામજનો જણાવે છે બીજી તરફ પાણી વગર પશુ પાલકોની હાલત પણ ખરાબ થઈ છે કેટલાક ગામના પશુપાલકો પરિવારો પાણી વગર નડીયાદ-ખેડા જેવા જિલ્લાઓમાં પશુઓની સાર સંભાળ માટે હિજરત કરી ગયા હોવાનું જાણવા મળેલ છે. ઉનાળાનાં હજુ બેથી અઢી મહિના કાઢવાના છે ત્યારે આગામી દિવસોમાં ચોટીલા પંથકમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બને તેવી શક્યતા વધી છે.

image source

પાણી સમસ્યાને કારણે પાંચ ગામના 300થી વધુ પરિવારો હિજરત કરી આણંદ, નડિયાદ અને ધોળકા તરફ ચાલ્યા ગયા છે. એને કારણે ગામો ખાલીખમ લાગી રહ્યાં છે. છતાં તંત્રના સરકારી બાબુઓ કે રાજકારણીઓના પેટનું પાણી પણ હાલતું નથી. આ ગામોમાં મોટા ભાગે લોકો ઘરોને બંધ કરી સરસામાન સાથે હિજરત કરી ગયા છે અને ઘરની બહાર આડા કાંટા મૂકી પોતાના આશરાને છોડી ચાલ્યા જવું પડ્યું છે અને સારો વરસાદ થયા બાદ આ પરિવારો માદરે વતન પોતાના ઘરે પાછા ફરશે. છેલ્લાં 25 વર્ષ કરતાં વધુ સમયથી પીવાના પાણીની આ વિકટ સમસ્યા જેમની તેમ યથાવત્ છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવે અને પીવાના પાણીની આ વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે એવી વ્યાપક માગ આ ગામોના લોકોએ ઉઠાવી છે.

image source

સૌની યોજના તથા સરકારી યોજનાના ચોપડે સૌથી વધુ લાભ લેતો જિલ્લો હોય તો સુરેન્દ્રનગર છે, પરંતુ રિયાલિટીમાં સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાનાં ગામો છે. એ હજુ સુધી ત્યાં પાણીની પાઈપલાઈન નથી પહોંચી. ફક્ત કૂવા અને ટ્યૂબવેલ તેમજ ગામમાં જે પાણીનાં ટેન્કર જઈ રહ્યાં છે એના પર જ તેના પાણીનો સહારો છે.

સુરેન્દ્રનગરમાં એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ખાતે આવેલુ નર્મદા કેનાલનું પમ્પીંગ સ્ટેશન માત્ર ભારત જ નહી પરંતુ એશિયાનું સૌથી મોટુ પમ્પીંગ સ્ટેશન છે. જ્યાંથી નર્મદા કેનાલનું પાણી પમ્પીંગ કરી સૌરાષ્ટ્ર અને છેક કચ્છ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. બીજી તરફ ચોટીલા પંથકમાં ગામડાના લોકોને પાણી માટે હિજરત કરવાની નોબત આવી છે. હાલ આ ગામોમાં જે લોકો વસવાટ કરે છે તેમને પણ પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ચાલીસ વર્ષથી છે આ સમસ્યા

જ્યારે નાનયાણી ગામની આસપાસ તો પીવાના પાણીનો કોઇ સ્ત્રોત જ ન હોવાથી ગામલોકોને નાછુટકે પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડે છે. ચાલીસ ચાલીસ વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા આ ગ્રામજનોને દર ચૂંટણીમાં નેતાઓ દ્વારા ઠાલા વચનોની લહાણી કરવામાં આવે છે પરંતુ પીવાના પાણી જેવી સુવિધા પુરી પાડવામાં પણ નેતાઓ અને સરકારી અધિકારીઓ ઉણા ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે.