તો આ રીતે થયું સંજય રાઉતના 100 કરોડનું કૌભાંડ, તેમના નજીકના વ્યક્તિએ કરી હેરાફેરી, પત્ની વર્ષાને પણ આપ્યા 83 લાખ રૂપિયા

EDએ શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા અને તેમના નજીકના ગણાતા પ્રવીણ રાઉતની 11 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કરાઈ છે. મુંબઈના ગોરેગાંવમાં પાત્રા ચાલ કૌભાંડમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

image source

સંજયના નજીકના ગણાતા પ્રવીણ રાઉત ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. આ કંપની ગોરેગાંવની પાત્રા ચાલના રિડેવલપમેન્ટમાં સામેલ છે. આ ચાલ મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ની 47 એકર જમીન પર બની છે, જેમાં 672 ભાડૂઆત રહેતા હતા.

પ્રવીણની ફર્મને પાત્રા ચાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને 672 ભાડુઆતના રિહેબિલિટેશનનું કામ સોંપવામાં આવ્યું હતું. ફર્મ તેના માટે 672 ભાડૂઆત અને મ્હાડાની સાથે ત્રિપક્ષીય સમજૂતી કરી હતી. તપાસ એજન્સી મુજબ, પ્રવીણ રાઉતે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના રાકેશ કુમાર વાઘવાન, સારંગ વાઘવાન અને ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના અન્ય ડાયરેક્ટર્સે વધારાના ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ કે FSI ગેરકાયદે રીતે બિલ્ડરને 1034 કરોડ રૂપિયામાં વેચ્યો હતો.

FSI એ ફ્લોર એરિયા છે, જેના પર બિલ્ડર કોઈ પ્લોટ કે જમીન પર કન્સ્ટ્રક્શન કરી શકે છે. આ ડીલ પ્રવીણે રિહેબ ફ્લેટ્સ એટલે કે ભાડૂઆત માટે લીધેલા ફ્લેટ્સનું કન્સ્ટ્રક્શન કર્યા વગર કરી હતી, જે તેમને તૈયારી કરીને મ્હાડાને આપવાનું હતું. આ સમજૂતીની શરત હતી.

જેમાં પ્રવીણ રાઉત ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રા.લિ.ના ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. આ રીતે તેમને 672 ભાડૂઆત અને ખરીદદારોના હિત વિરુદ્ધ વાઘવાનબંધુઓની સાથે મળીને એક હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કર્યું. EDનો આ કેસ મુંબઈ પોલીસની FIR પર આધારિત છે. વિભિન્ન બિલ્ડરો પાસેથી 1034 કરોડ લીધા ઉપરાંત આરોપીઓએ બેંક લોન પણ લીધી હતી.

image source

EDના જણાવ્યા મુજબ, 2010માં પ્રવીણે 95 કરોડ રૂપિયા બેંક ખાતામાં મેળવ્યા, જેને ઈક્વિટી વેચીને જમીન ડીલથી મેળવેલી રકમ ગણાવી હતી, જ્યારે કે કંપનીએ કોઈ પ્રોજેક્ટ પૂરો ન કર્યો નહોતો અને એનાથી કોઈ આવક થઈ નહોતી. આ રીતે એજન્સીના જણાવ્યા મુજબ, પ્રવીણ મની લોન્ડરિંગનો આરોપી છે. ED મુજબ HDILએ લગભગ 100 કરોડ રૂપિયા પ્રવીણ રાઉતના ખાતામાં ટ્રાન્સફર કર્યા. પ્રવીણે આ રકમ પોતાના સાથીઓ, પરિવારના સભ્યો અને બિઝનેસ પાર્ટનર્સ તેમજ અન્ય લોકોનાં ખાતાંમાં નાખ્યા હતા.

2010માં પ્રવીણની પત્ની માધુરી રાઉતે આ રકમમાંથી 83 લાખ રૂપિયા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને આપ્યા. જેમાંથી વર્ષાએ દાદરમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. EDની તપાસ શરૂ થયા બાદ વર્ષાએ 55 લાખ રૂપિયા માધુરીને ફરી ટ્રાન્સફર કર્યા. EDનો આરોપ છે કે હિમ બીચ પર વર્ષા રાઉત અને સ્વપ્ના પાટકરના નામે 8 પ્લોટ ખરીદવામાં આવ્યા. સ્વપ્ના સુજિત પાટકરની પત્ની છે. સુજિત પણ સંજય રાઉતના નજીકના સાથી ગણાય છે. આ જમીન ડીલમાં રજિસ્ટર્ડ રકમ ઉપરાંત કેશ પેમેન્ટ્સ પણ વચેટિયાઓને આપી દીધા. એ બાદ જ EDએ પ્રવીણની સંપત્તિ જપ્ત કરવાના ઓર્ડર આપ્યા. પ્રવીણની EDએ 2 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ધરપકડ કરી હતી. હાલ તેઓ જેલમાં બંધ છે.