મોટો ચુકાદો : ટેરર ​​ફંડિંગ કેસમાં યાસીન મલિકને આજીવન કેદની સજા, NIA કોર્ટનો ચુકાદો

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે તેના પર 10 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અગાઉ NIAએ ટેરર ​​ફંડિંગ કેસમાં મલિકને ફાંસીની સજાની માંગ કરી હતી. યાસીન મલિકે UAPA હેઠળ તેના પર લાગેલા તમામ આરોપો સ્વીકારી લીધા હતા. તેમજ આ કેસમાં ચર્ચાનો અંત આવ્યો હતો, માત્ર સજાની જાહેરાત થવાની બાકી હતી.

પોતાનો ગુનો કબૂલી લીધો

એજન્સીએ સ્પેશિયલ જજ પ્રવીણ સિંહની કોર્ટ સમક્ષ મલિકને ફાંસીની સજાની માંગ કરી હતી, તેની કાનૂની સહાય માટે, કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યૂરીએ મલિકને આ કેસમાં લઘુત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા આપવા વિનંતી કરી હતી. પટિયાલા હાઉસના વિશેષ ન્યાયાધીશે NIA અધિકારીઓને યાસીન મલિકની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી દંડની રકમ નક્કી કરી શકાય. આ પહેલા 10 મેના રોજ મલિકે કોર્ટને કહ્યું હતું કે તે તેના પર લાગેલા આરોપોનો સામનો કરવા માંગતા નથી. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો, મલિક હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

મલિક આ કેસોમાં દોષિત છે

NIA કોર્ટે 19 મેના રોજ પ્રતિબંધિત સંગઠન જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિકને UAPA હેઠળ દોષિત ઠેરવ્યો હતો. મલિકે કોર્ટને કહ્યું હતું કે તેણે તેની સામે લગાવવામાં આવેલા આરોપોનો વિરોધ કર્યો નથી, જેમાં કલમ 16 (આતંકવાદી કૃત્યો), 17 (આતંકવાદી કૃત્યો માટે ભંડોળ એકત્ર કરવા), 18 (આતંકવાદી કૃત્યો કરવા માટેનું કાવતરું) અને ધારા 20( આતંકવાદી ગેંગ અથવા સંગઠનનો સભ્ય) અને ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) સામેલ છે.

NIAની ચાર્જશીટમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદ અને હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનનું નામ પણ છે, જેમને આ કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

image source

શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા

યાસીન મલિકની સજા પર ચુકાદો જાહેર થાય તે પહેલા જ શ્રીનગરના કેટલાક ભાગોને કોર્ડન કરી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, લાલ ચોક સહિત મૈસુમા અને આસપાસના વિસ્તારોમાં મોટાભાગની દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂના શહેરના કેટલાક વિસ્તારોમાં દુકાનો પણ બંધ રહી હતી, પરંતુ જાહેર પરિવહન સામાન્ય રહ્યું હતું. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાને ટાળવા માટે શહેરમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.