આ ગણિત સમજશો તો ચોંકી જશો, તમે પેટ્રોલના 100 ચૂકવો એમાં 52 સરકાર લઈ જાય છે, જો આવું થાય તો ભાવ ઘટે

પેટ્રોલ-ડીઝલના ભાવ જે ઝડપે વધી રહ્યાં છે ત્યારે સામાન્ય લોકોનું બજેટ બગડ્યું છે. છેલ્લાં 3 વર્ષમાં સામાન્ય લોકોની આવકમાં જ્યાં ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સથી સરકારને કરોડોની કમાણી થઈ રહી છે. આજે જ્યારે તમે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો છો તો તેમાંથી 50 રૂપિયા તો ટેક્સ તરીકે સરકારના ખિસ્સામાં જાય છે. પરિણામે સામાન્ય લોકોનું ખીસું ખાલી થઈ રહ્યું છે તો સરકારનો ખજાનો ઝડપથી ભરાય રહ્યો છે. એવામાં જો સરકાર ઈચ્છે તો ટેક્સમાં ઘટાડો કરીને આમ આદમીને રાહત આપી શકે છે.

image source

મહારાષ્ટ્રમાં જો તમે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો છો તો તેમાંથી 52.50 રૂપિયા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય છે. એવામાં જો તમે દિલ્હીમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો છો તો 45.3 રૂપિયા ટેક્સ લાગે છે.

પેટ્રોલની બેઝ પ્રાઈઝ હાલ 49 રૂપિયાની આસપાસ છે, જેના પર કેન્દ્ર સરકાર 27.90 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે. જે બાદ રાજ્ય સરકાર તેના પર પોતાની રીતે વેટ અને સેસ વસૂલે છે, જે બાદ તેના ભાવ બેઝ પ્રાઈઝથી 3 ગણા સુધી વધી જાય છે. એવામાં ટેક્સમાં રાહત આપ્યા સિવાય પેટ્રોલના ભાવ ઘટાડવા ઘણું જ મુશ્કેલ છે.

જ્યાં એક તરફ કોરોના મહામારીને કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે તો બીજી બાજુ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવીને ઘણી કમાણી કરી છે. છેલ્લાં 3 વર્ષમાં જ્યાં એક તરફ પ્રતિ વ્યક્તિની વાર્ષિક આવક 1.26 લાખથી ઘટીને 99,155 રૂપિયા થઈ છે તો સરકારની એક્સાઈઝ ડ્યૂટીથી કમાણી 2,10,282 કરોડ રૂપિયાથી વધીને 3,71,908 કરોડ રૂપિયાએ પહોંચી છે. છેલ્લાં 3 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ(એક્સાઈઝ ડ્યૂટી) લગાવીને સરકારે 8 લાખ કરોડથી વધુની કમાણી કરી છે.

image source

કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટીની મદદથી ટેક્સ વસૂલે છે. મે 2014માં જ્યારે મોદી સરકાર સત્તા પર આવી ત્યારે કેન્દ્ર સરકાર એક લીટર પેટ્રોલ પર 10.38 રૂપિયા અન ડીઝલ પર 4.52 રૂપિયા ટેક્સ વસૂલતી હતી. આ ટેક્સ એક્સાઈઝ ડ્યૂટી તરીકે લેવામાં આવે છે. મોદી સરકારના શાસનમાં 13 વખત એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી, જ્યારે માત્ર 4 વખત જ ઘટાડી છે. હાલ એક લીટર પેટ્રોલ પર 27.90 રૂપિયા અને ડીઝલ પર 21.80 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી લાગે છે. મોદી સરકાર આવ્યા બાદ કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર 6 ગણો ટેક્સ વધારી ચુક્યા છે.