અમદાવાદમાં નૂપુર શર્માનો વિરોધ: લાલ દરવાજા-ત્રણ દરવાજાના બજારો સજ્જડ બંધ, રેલી કાઢી કહ્યું- એની ધરપકડ કરો, બીજી કોઈ વાત નહીં

ભાજપનાં નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પડઘા વડોદરા અને સુરત સાથે અમદાવાદમાં પણ પડ્યા છે. મિર્ઝાપુરમાં જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું. પોલીસે લોકોને સમજાવીને લોકોને ઘરે પાછા મોકલવાનો પ્રયાસો કર્યા હતા. સાથે જ મુસ્લિમ આગેવાનોને બોલાવી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

image source

મોહંમદ પયગંબર વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે લાલ દરવાજા વિસ્તારમાં આવેલું ઢાલગરવાડ બજાર અને ત્રણ દરવાજા બજાર આખું બંધ રાખવામાં આવ્યું છે. ઢાલગરવાડ અને ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા પાથરણાબજારના વેપારીઓએ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. દરિયાપુર વિસ્તારમાં પણ બંધ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થાનિકોએ નૂપૂર શર્માની ધરપકડની માગ કરતાં બેનર લઈને રેલી કાઢી હતી.

આજે સવારે દસ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ બજાર શરૂ થયું હતું. જોકે પાથરણાબજારને 12 વાગ્યા બાદ કેટલાક લોકોએ આવીને બંધ કરાવી દીધું હતું. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ક્યાંય કોઇ અનિચ્છનીય ઘટના કે તોફાની તત્ત્વો કાંકરીચાળો ન કરે એને પગલે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે.

અમદાવાદના મિર્ઝાપુર ત્રણ રસ્તા પાસે નૂપુર શર્માના વિરોધમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું બહાર આવ્યું હતું. જે બાદ કારંજ અને શાહપુર પોલીસ સ્ટેશન સહિત ઝોન-2 ડીસીપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડી રહ્યા છે. સેકટર 1 જેસીપી આર.વી અંસારીએ મિર્ઝાપુર પહોંચી અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું લોકોને સમજાવી અને ઘરમાં જવા માટે સૂચના આપી હતી.

image source

મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ હવે ભાજપનાં પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો છે. અજાણ્યા શખસોએ વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર નૂપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડના પોસ્ટર ચોંટાડ્યા હતા.