કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીની અટકાયત, આસામ પોલીસે ગુજરાતથી કરી ધરપકડ

ગુજરાતની વડગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાત પહોંચેલા જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. આસામ પોલીસ પાલનપુરમાંથી જીજ્ઞેશની ધરપકડ કરી પ્રથમ અમદાવાદ લઈ ગઈ હતી. ત્યારબાદ સવારે 4.30 વાગ્યાની આસપાસ ફ્લાઈટ દ્વારા તેને આસામ લઈ જવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ જીગ્નેશ મેવાણી બુધવારે પાલનપુરમાં હતા. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પાલનપુરના સર્કિટ હાઉસમાં રોકાયા હતા. દરમિયાન રાત્રે લગભગ 11.30 વાગ્યે આસામ પોલીસની એક ટીમ પાલનપુર સર્કિટ હાઉસ પહોંચી હતી અને જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કરી હતી. જીગ્નેશ મેવાણીની ધરપકડની માહિતી તેમના સમર્થકોએ આપી છે.

image source

જીગ્નેશ મેવાણીના સમર્થકોના જણાવ્યા અનુસાર, આસામ પોલીસની ટીમે તેમની સામે નોંધાયેલા કેસને ટાંકીને ધરપકડની પ્રક્રિયા હાથ ધરી છે. સમર્થકોનો આરોપ છે કે આસામ પોલીસ દ્વારા તેમની સામે કથિત રીતે નોંધાયેલી FIRની નકલ તેમને આપવામાં આવી નથી.

એવું કહેવાય છે કે આસામ પોલીસના પોલીસકર્મીઓ જીજ્ઞેશ મેવાણી સાથે રોડ માર્ગે અમદાવાદ જવા રવાના થયા હતા. હાલમાં જીગ્નેશ મેવાણીની ધરપકડના પગલે રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. ગુજરાતમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસના મોટા દલિત ચહેરા જીગ્નેશની ધરપકડ કરવામાં આવી છે.