સોનાના ભાવમાં 1500 રૂપિયાનો જોરદાર ઘટાડો, નવા ભાવ તરત જ તપાસો

લગ્નની સિઝનમાં સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડાની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. સોનાની કિંમતમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર એક સપ્તાહમાં સોનાની કિંમતમાં 1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે, જ્યારે સોનું 3 મહિનાના સૌથી નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.

આજે સોના અને ચાંદીના ભાવ

મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 24-કેરેટ શુદ્ધતાનું સોનું વાયદો 0.03 ટકા ઘટીને રૂ. 50,158 પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે સમાચાર લખાય છે ત્યાં સુધી સોનાની કિંમતમાં 0.07%નો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે સવારે બજાર ખુલ્યા બાદ સોનામાં થોડો વધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ સોનાની કિંમતમાં ઘટાડો શરૂ થયો હતો.

બીજી તરફ ચાંદીમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સવારે એમસીએક્સ પર ચાંદી 0.3 ટકા વધીને રૂ. 58,920 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી ચાંદી રૂ.359ના વધારા સાથે 59,110 પર ટ્રેડ કરી રહ્યુ હતું.

વૈશ્વિક બજારમાં પણ ઘટાડો

વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડાનું વાતાવરણ છે. વૈશ્વિક બજારમાં સોનું ત્રણ મહિનાના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. વાસ્તવમાં, આ સમયે ડૉલર સારી મજબૂતાઈ પર છે, જેના કારણે સોનાની કિંમતમાં મંદી છે. સોનું હાલમાં 0.1 ટકા ઘટીને $1,820.54 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે ચાંદીની હાજર કિંમત 0.5 ટકા ઘટીને $20.76 પ્રતિ ઔંસ થઈ છે. એટલે કે વૈશ્વિક બજારમાં પણ મેટલ્સના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.