અગનભઠ્ઠી બની ગયું ગુજરાત! અમદાવાદમાં રેકોર્ડ 47 ડીગ્રી, આવતીકાલે 48 ડીગ્રીની આગાહી; 106 વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે

ગુજરાતમાં હાલ મે મહિનાની શરુઆતમાં જ ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. હાલ રાજ્યના મુખ્ય શહેરો સહિત ઘણા વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હાલની સ્થિતીએ એવું લાગી રહ્યું કે જાણે ગુજરાત અગનભઠ્ઠી બની ગયું છે. અમદાવાદમાં આજે તાપમાન 47 ડીગ્રીને પાર થઈ ગયું છે. હજી પણ આવતીકાલે પારો 48 ડીગ્રીએ પહોંચશે તો 100 વર્ષનો રેકોર્ડ તૂટશે. બીજી તરફ, રાજ્યનાં 13 શહેરમાં તાપમાન આજે રેકોર્ડ 46ને પાર થઈ ગયું છે અને આ ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ લોકો વિચારતા થઈ ગયા છે. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.

image source

આજે જ્યાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે તે અમદાવાદની વાત કરીએ તો શહેરમાં સવારથી જ ગરમીની શરુઆત થઈ ગઈ હતી. આજે બપોરે અમદાવાદ શહેરનું તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયું હતું. સાંજના 5 વાગ્યા સુધીમાં પણ સુરજે પોતાનો પ્રકોપ બતાવવાનું યથાવત રાખ્યું હતું અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગાંધીનગર, ઈડર, મહેસાણા, હિંમતનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં, શેરડીનો રસ, એસી કુલરનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.

image source

રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક વધ્યો છે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે.

અમદાવાદમાં મે મહિનામાં પડેલી ગરમી

વર્ષ ડીગ્રી
2011 43.4
2012 43
2013 44.3
2014 44.5
2015 44.6
2016 48
2017 43.6
2018 44.8
2019 44.3
2020 44.1
2021 43
2022 47