યુરોપના દેશોમાં નવા વાયરસની દસ્તક, WHOએ સાવધાન રહેવા આપી ચેતવણી

યુરોપના દેશો અત્યારે Monkeypox નામના નવા રોગથી પીડાઈ રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ રોગચાળા અંગે સાવધાન રહેવા ચેતવણી આપી છે. મન્કીપોક્સ એ આફ્રિકાના કેટલાક દેશોમાંથી ફેલાયેલો વાઈરસ છે. ગાઢ જંગલમાં રહેતા કેટલાક સજીવોમાંથી આ વાઈરસ મનુષ્યમાં આવ્યો છે. મનુષ્યમાં ક્લોઝ કોન્ટેક દ્વારા આ વાઈરસ ફેલાય છે. ફેલાવા માટે મોટે ભાગે જાતીય સંબંધો કારણભૂત સાબિત થાય છે. માટે યુરોપમાં લોકોને સેક્સ વખતે પણ સાવધાન રહેવાની સલાહ અપાઈ છે. આ રોગમાં શરીર પર શીતળાની માફક જ ચાંઠા નીકળે છે. આખુ શરીર કદરૂપુ થવા માંડે છે. આ વાઈરસની પ્રથમવાર જાણકારી 1958માં મળી હતી. પરંતુ 1970માં મનુષ્યમાં આ વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો હતો.

સદભાગ્યે આ રોગચાળો જીવલેણ નથી, પરંતુ ફેલાવાનું ચાલુ રહે તો ઘાતક સાબિત થઈ શકે છે. વળી આ વાઈરલ ફીવરની કોઈ ચોક્કસ દવા નથી. આ વાઈરસના લક્ષણો શીતળા (સ્મોલપોક્સ)ને મળતા આવે છે. માટે શીતળાની સારવાર જ અત્યારે આ રોગમાં કરવામાં આવે છે. 1970માં આ રોગનો પ્રથમ કિસ્સો નોંધાયો હતો. હવે એ ફરીથી યુરોપના દેશોમાં ફેલાઈ રહ્યો છે.

આ રોગ અત્યારે બહુ ઘાતક નથી. સામાન્ય રીતે દર્દીઓ હોસ્પિટલાઈઝેશન વગર જ થોડાક દિવસથી માંડીને અઠવાડિયા સુધીમાં સાજા થઈ જાય છે. બ્રિટનમાં આ રોગના 100 કેસ નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માહિતી મુજબ નાઈજિરિયાથી આવેલા એક મુસાફરને કારણે રોગચાળો યુ.કે.માં પ્રવેશ્યો છે. એ પછી યુરોપના અન્ય દેશોમાં તેનો ફેલાવો થયો છે. અત્યાર સુધીમાં આ રોગના ગંભીર દર્દીઓ નોંધાયા નથી. પરંતુ પાણી પહેલા પાળ બાંધવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે.