ભાવુક થઈને આઈશાના પિતા બોલ્યા મારી દીકરીના કાતિલને ફાંસીની સજા મળવી જોઈએ

‘આ આઈશાનું ટેબલ છે. અહીંયા બેસતી અને અહીં ભણતી. એનું હોમવર્ક કરતી અને સામેવાળી દીવાલ પર એને જે માર્ક્સ લાવવા હોય એ લખી રાખતી. એક દિવસ મેં જોયું અને પૂછ્યું કે આ 94 અને 93 શું લખ્યું છે? એને કહ્યું પપ્પા આ મારો ટાર્ગેટ છે. 93 ટકા આવવા જોઈએ. ટાર્ગેટ મારી નજરની સામે હશે તો મને યાદ રહેશે કે મારે શું લાવવું છે અને આ વાત 12મા ધોરણની છે અને એને 98 પ્લસ પોઇન્ટ આવ્યા હતા. એ ટ્યૂશન જતી હતી ત્યાં એનું મોટું પોસ્ટર લગાવ્યું હતું. એને ભણવાનો શોખ હતો,’ આટલું બોલતા જ લિયાકતભાઈ મકરાણી ભાવુક થઈને રડી પડ્યા હતા.

image source

આ લિયાકત અલી મકરાણી એટલે આજથી અંદાજે સવા વર્ષ પહેલા ભાવુક વીડિયો બનાવીને આત્મહત્યા કરી દેશભરને હચમચાવી દેનાર ગુજરાતની દીકરી આઈશાના પિતા. ફેબ્રુઆરી 2021માં આઈશા નામની યુવતીએ પતિ આરિફ ખાના ત્રાસથી અમદાવાદના રિવરફ્રન્ટમાં ઝંપલાવીને જીવ આપી દીધો હતો. આઈશાના જુલાઈ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરિફ ખાન સાથે નિકાહ થયા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતાં હતાં.

આઈશાએ અંતિમ પગલું ભરતા પહેલા એક ઈમોશનલ વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પતિ અને સાસરિયા દ્વારા આપવામાં આવતા ત્રાસની રડતા-રડતા આપવીતી જણાવી હતી. આ વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા તથા ચેનેલોમાં ખૂબ વાઇરલ થયો હતો. આખા દેશમાં લોકોએ આઈશા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. દરમિયાન સવા વર્ષ બાદ આ કેસમાં આઈશાના પતિ આરિફને સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી કરી છે.

આઇશાના પિતા ધ્રુજતા અવાજે છેલ્લાં એક વર્ષમાં ભોગવેલી વ્યથા અને દીકરીના મળેલા ન્યાય અંગે વિસ્તૃત વાત કરી હતી. લિયાકત મકરાણીએ કહ્યું હતું કે એ મારી ખૂબ જ નજીક હતી. એની મમ્મીની પણ નહીં. તમે વીડીયો પણ જુઓ તો એણે મને સંબોધન કર્યું હતું, બીજા કોઈને નહીં. એનું કારણ એ હતું કે હું જે કહેવા માગું છું એ મારા પપ્પા સિવાય દુનિયાનો કોઈ માણસ સમજી શકશે નહીં.

image source

આઈશાના પિતા લિયાકત મકરાણીએ કહ્યું કે કોર્ટે આરોપી આરિફને 10 વર્ષની સજા આપી. સરકારે આ ગુના માટે જો ફાંસી રાખી હોત તો સેશન્સ કોર્ટ એને ફાંસી આપત, પરંતુ પ્રાવધાન અનુસાર જજ સાહેબે જેટલી સજા હતી એટલી પૂરી આપી છે. એક બાબત હું સમાજ અને સરકારને કહેવા માંગુ છું કે કલમ 306માં દસ વર્ષની સજા ઓછી છે. હત્યા બે રીતે થાય છે એકમાં માણસ ઈરાદા સાથે હથિયાર લઈને હત્યા કરી નાખે છે. એક હત્યા એ હોય છે જે અચાનક થઇ જાય છે. પણ કલમ 306માં માણસ ઈરાદાથી સામેવાળાને મારી નાખે છે. આરિફ 350 કિલોમિટર દૂર બેઠો હતો ને આઈશા અમદાવાદના રિવરફ્રન્ટ પર હતી. એણે શબ્દોના બાણ ચલાવ્યા. એક મિસાઈલની માફક એની ઉપર વાર કરતો રહ્યો. આઈશાના દિલના ટુકડે ટુકડા ના થઇ જાય ત્યાં સુધી એ બોલતો રહ્યો હતો. તેથી તેને ફાંસીની સજા જ ફટકારવી જોઈએ.