હે ભગવાન ક્યારે આ બધું બંધ થશે, હવે ધો-10 હિન્દીનું પેપર ફૂટ્યું, ચાલુ પરીક્ષાએ જવાબો વાઈરલ થયા

ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ છે. ત્યારે આજે ધોરણ 10માં હિન્દીનું પેપર હતું. આ દરમિયાન પેપરમાં પૂછાયેલા સવાલના હાથથી લખાયેલા જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. પેપરમાં સવાલના સેક્શન પ્રમાણે જવાબો વાયરલ થયાં હતાં. આજના પેપરના જવાબ લીક થયા છે જેથી શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.એવું અધિકારીઓએ જણાવ્યું છે. ફેસબુકના જે પેજ પર આ પેપર વાયરલ થયું છે. તેમાં એવું લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાકની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે.ઘનશ્યામ ચારેલ નામના વ્યક્તિએ પેપર સોલ્વ થયેલા ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને ગેરીરીતિ અંગે જણાવ્યું હતું.

image source

ફેસબુક પર આ પેપરના જવાબના ફોટા વાયરલ થયાં છે. વાયરલ પેપર મામલે શિક્ષણ વિભાગ પણ ચિંતામાં આવી ગયો છે. આ પેપરમાં પુછાયેલા સવાલ જ હતાં કે નહીં તે અંગે શિક્ષણ સચિવ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજી સુધી સાબિત નથી થયું કે આજના પેપરના જ જવાબ લીક થયાં છે. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે કહ્યુ કે પેપરમાં ગેરીરીતિ થઈ છે જેથી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.જે સેન્ટર કે જે માધ્યમથી પેપર લીક થયું છે તે તમામ પુરાવા સાથે ફરિયાદ કરીશું.

પેપર ફૂટવા અંગે કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, ધો.10નું જે પેપર ફૂટ્યું છે એ શિક્ષણ વિભાગ માટે શરમજનક વાત છે. મહેસાણામાં પણ અગાઉ આવી રીતેજ પેપર બારોબાર લીક થયું હતું. સરકારે આ બાબતે પેપર ફોડવામાં સંડોવાયેલા લોકોની તપાસ કરવી જોઈએ. ગુજરાતના મહેનત કરતાં વિદ્યાર્થીઓ સાથે રમત રમાઈ રહી છે. સરકારી ભરતીઓમાં તો ગેરરીતિ થાય જ છે પરંતુ હવે તો ધો.10ના પેપરમાં પણ ગેરરીતિ થઈ છે. જેથી શિક્ષણમંત્રીનું રાજીનામું લઈ લેવું જોઈએ. પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં કેવી રીતે વાયરલ થયું?

image source

2021માં જ સરકારી ભરતીની પરીક્ષામાં ત્રણ પેપર ફૂટ્યા હતા. જેમાં જુલાઈ માસમાં લેવાયેલી DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું હતું. આ બાદ ઓક્ટોબરમાં ગૌણ સેવા પસંદગી મંડળની યોજાયેલી સબ-ઓડીટરની પરીક્ષામાં યુથ કોંગ્રેસ દ્વારા પેપર લીક થયું હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ સરકારે જ પેપર લીક થયું હોવાનું સ્વીકાર્યું હતું અને પરીક્ષા રદ કરી હતી. આમ જુલાઈ 2021થી માર્ચ 2022 સુધીમાં પેપર લીકનો આ ચોથો આક્ષેપ છે. જોકે ખરેખર વન રક્ષકનું પેપર લીક થયું છે કે કેમ તે અંગે હવે તપાસ બાદ જ હકીકત સામે આવશે.